પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી સક્રિય, કહ્યું- 'સાંભળી લેજો મેદાનમાં આવી રહ્યો છું, ઠેકાણે પાડી દઇશ'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Madhu Shrivastav News : વડોદરાના વાઘોડિયાના પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી એકવાર રાજકીય મેદાનમાં સક્રિય થવાનો હુંકાર ભર્યો છે. વાઘોડિયા ખાતે પોતાના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે ભાજપના 'અધિકારીરાજ' સામે નારાજગી વ્યક્ત કરી હતી અને ત્રીજો લોકશાહી મોરચો બનાવીને આગામી ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈશારો કર્યો છે.
મધુ શ્રીવાસ્તવે પોતાના સંબોધનમાં સ્થાનિક ધારાસભ્ય અને અધિકારીઓને આડકતરી ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, 'વડોદરા અને વાઘોડિયા તાલુકાના મત વિસ્તારમાં જે પણ કાવતરા ચાલી રહ્યા છે, તે કાન ખોલીને સાંભળી લેજો, હું મેદાનમાં આવી રહ્યો છું.' તેમણે અધિકારીઓને ધમકી આપતા જણાવ્યું કે, 'આ મધુ શ્રીવાસ્તવ છે, ભગવાન સિવાય કોઈના બાપથી ડરતો નથી. બે નંબરના ધંધા હોય, પોલીસ અધિકારી હોય કે મામલતદાર હોય, સમજી જજો, જો ચોદમું રતન ન બતાવી દઉં તો મારું નામ મધુ શ્રીવાસ્તવ નહીં.'
વધુમાં મધુ શ્રીવાસ્તવે વાઘોડિયાની પ્રજાને વચન આપ્યું છે કે, 'જ્યાં સુધી શ્વાસ રહેશે ત્યાં સુધી તમારા માટે કામ કરીશ અને તમારી સાથે ખડેપગ રહીશ. જો પ્રજા કહેશે તો તેઓ 'લોકશાહી મોરચો' બનાવીને ચૂંટણીઓમાં ઝંપલાવશે. તેમણે તાલુકા પંચાયત જીતાડીને વાઘોડિયામાં ડ્રેનેજ, રોડ, રસ્તા અને સ્વચ્છ પાણી જેવી અધૂરી સુવિધાઓ પૂરી કરવાનું વચન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ ભાજપમાંથી વાઘોડિયાના ધારાસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ ગત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા તેઓ અપક્ષ તરીકે લડ્યા હતા. તેમનો આ નવો હુંકાર આગામી ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો લાવે તેવી શક્યતા છે.









