Vadodara voter camp incident: વડોદરાના ફતેહગંજ વિસ્તારમાં ચાલી રહેલી મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) દરમિયાન રવિવારે એક દુર્ઘટના બની છે. પ્રતાપગંજની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કેમ્પમાં વ્યવસ્થાના અભાવે એક અરજદાર યુવકને કલાકો સુધી લાઈનમાં ઉભું રહેવું પડ્યું હતું. આ દરમિયાન અચાનક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. બીજી તરફ મતદાર સુધારણા યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની વ્યવસ્થામાં ખામી હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.
માથામાં ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો: તબિયત સુધારા પર
આજે(રવિવાર) સવારથી રંગોલી હોટલની પાછળ આવેલી પ્રતાપગંજ સરકારી સ્કૂલમાં મતદાર સુધારણા યાદીનો કાર્યક્રમ ચાલતો હતો. યાદીના કામ માટે આવેલા સાહીલ મુન્નાભાઇ રજવાડી, ઉં.વ.40 (રહે. જૂના મોદીખાના પારસી અગિયારી પાછળ, ફતેહગંજ) પણ આવ્યા હતા. તેઓ લાઇનમાં ઊભા હતા. તે દરમિયાન બપોરે અઢી વાગ્યે અચાનક તેઓને ખેંચ આવતા જમીન પર પટકાયા હતા. તેઓને માથાના ભાગે ઇજા થતા લોકો ટોળે વળ્યા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, યુવકને અચાનક ખેંચ આવી હતી, જેના કારણે તે ચક્કર ખાઈને જમીન પર પટકાયો હતો. જમીન પર પડતાની સાથે જ તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના બાદ કેમ્પમાં ઉપસ્થિત અન્ય અરજદારોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, 'અહીં લોકો બે-બે કલાકથી હેરાન-પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા અરજદારો માટે પીવાના પાણી કે બેસવા માટે ખુરશી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી નથી.'
મતદારયાદી સુધારણા જેવા મહત્ત્વના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતાં વ્યવસ્થાના અભાવે નાગરિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઘટના બાદ કેન્દ્રો પર યોગ્ય બેઠક વ્યવસ્થા અને પાણીની સુવિધા ઉભી કરવામાં આવે તેવી પ્રબળ માગ ઉઠી છે.
હાલમાં ચાલી રહેલી મતદાર સુધારણા યાદી કાર્યક્રમમાં ગઇકાલે સહાયકની કામગીરી કરતા મહિલા કર્મચારી ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી, ઉ.વ.૫૦ (રહે. પી. ડબલ્યુ. ડી. સ્ટાફ કવાર્ટર્સમાં, ભીમનાથ મંદિર પાસે, ગોરવા) નું ચાલુ ફરજ દરમિયાન મોત થયું હતું. તેઓને હાર્ટની બીમારી હોવાછતાંય કામગીરી સોંપવામાં આવી હતી.


