વડોદરા: પાયોનીયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસ બાદ તણાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી પાયોનીયર મેડિકલ કોલેજમાં થોડા દિવસ અગાઉ બનેલા વિદ્યાર્થીના આપઘાત પ્રયાસના બનાવે શહેરમાં ચકચાર મચાવી છે. આજે નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI)ના કાર્યકર્તાઓએ કોલેજ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ દરમિયાન પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ થતા કપુરાઇ પોલીસે 9 કાર્યકર્તાઓની અટકાયત કરી છે.
બીએએમએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીએ પોતાની ફરિયાદમાં બે પ્રોફેસરો દ્વારા જાહેરમાં જાતિ વિષયક ઉચ્ચારણ અને માનસિક ત્રાસ આપ્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
આ સમગ્ર મામલાની તપાસ હાલ એસ.ટી./એસ.સી. સેલ દ્વારા હાથ ધરાઈ રહી છે. પોલીસે બંને પ્રોફેસરોને નિવેદન માટે હાજર થવા નોટિસ પાઠવી છે.
કોલેજ તંત્ર તરફથી બંને પ્રોફેસરોને ખુલાસો આપવા જણાવાયું છે તેમજ આ મામલે તપાસ માટે આંતરિક કમિટી રચી રિપોર્ટ સબમિટ કરવા સૂચના આપવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી બંને પ્રોફેસરો સામે કોઈ સસ્પેન્શન અથવા શિસ્તભંગની કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓ અને NSUI કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો છે.
NSUI પ્રમુખ અમર વાઘેલાની આગેવાનીમાં કાર્યકર્તાઓએ કોલેજ કેમ્પસમાં પ્રવેશ કરી પ્રિન્સિપાલ ઓફિસ અંદર ભારે સૂત્રોચ્ચાર સાથે ધરણા યોજ્યા હતા. કાર્યકર્તાઓએ બંને પ્રોફેસરોને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી હતી, જેથી ભવિષ્યમાં અન્ય વિદ્યાર્થીઓ આવા શોષણનો ભોગ ન બને.
પોલીસે ઘર્ષણ બાદ ટીંગાટોળી કરી 9 કાર્યકર્તાઓની અટકાયત કરી છે.









