Gujarat

વડોદરા એલસીબીનો સપાટો: જાંબુવા નજીક દવાની આડમાં કન્ટેનરમાં લવાતો લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ

By GS TEAM
19 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાતમાં દારૂબંધીના કાયદાની ઐસીતૈસી કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા તત્ત્વો સામે વડોદરા પોલીસે લાલ આંખ કરી છે. વડોદરા એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ઝોન-3ની ટીમે નેશનલ હાઈવે પર જાંબુવા નજીકથી દવાની આડમાં હરિયાણાથી કન્ટેનરમાં છુપાવીને લાવવામાં આવેલો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂની 11 હજારથી વધુ બોટલો સાથે એક શખસને દબોચી લીધો છે, જ્યારે દારૂ મંગાવનાર વડોદરાના કુખ્યાત બુટલેગર સહિત ત્રણ શખસોને વોન્ટેડ જાહેર કર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા એલસીબીનો સપાટો: જાંબુવા નજીક દવાની આડમાં કન્ટેનરમાં લવાતો લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ

Vadodara LCB Seizes Liquor: ગુજરાતમાં દારૂબંધીના કાયદાની ઐસીતૈસી કરીને નશાનો કાળો કારોબાર ચલાવતા તત્ત્વો સામે વડોદરા પોલીસે લાલ આંખ કરી છે. વડોદરા એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ઝોન-3ની ટીમે નેશનલ હાઈવે પર જાંબુવા નજીકથી દવાની આડમાં હરિયાણાથી કન્ટેનરમાં છુપાવીને લાવવામાં આવેલો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂની 11 હજારથી વધુ બોટલો સાથે એક શખસને દબોચી લીધો છે, જ્યારે દારૂ મંગાવનાર વડોદરાના કુખ્યાત બુટલેગર સહિત ત્રણ શખસોને વોન્ટેડ જાહેર કર્યા છે.

કન્ટેનરમાંથી દારૂનું કટિંગ થતું હતું ને પોલીસ ત્રાટકી

મળતી માહિતી અનુસા, વડોદરા એલ.સી.બી. ઝોન-3ની ટીમને ચોક્કસ અને ખાનગી રાહે બાતમી મળી હતી કે, તરસાલીથી જાંબુવા જવાના રોડ નજીક આવેલા એક ખુલ્લા મેદાનમાં શંકાસ્પદ કન્ટેનર ઊભું રાખીને તેમાંથી વિદેશી દારૂનો જથ્થો અન્ય વાહનોમાં સગેવગે કરવાનું (કટિંગ) ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે ઓચિંતી રેડ પાડી હતી. પોલીસે સ્થળ પરથી કન્ટેનરના ચાલક 30 વર્ષીય જૈદ મોહમ્મદ (રહે. મેવાત, હરિયાણા)ને ઝડપી પાડ્યો હતો.

દવાની બોક્સ પાછળ છુપાવી હતી દારૂની 11,383 બોટલ

પોલીસે જ્યારે કન્ટેનરની તલાશી લીધી ત્યારે ઉપરના ભાગે કાયદેસરની દવાની બોટલોના બોક્સ ગોઠવેલા હતા, પરંતુ તેની આડમાં પાછળના ભાગે વિદેશી દારૂનું મોટું ગૂંચળું છુપાવેલું હતું. પોલીસે કન્ટેનરમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 11,383 નંગ બોટલો કબજે કરી હતી, જેની બજાર કિંમત 30,72,600 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલું કન્ટેનર, મોબાઈલ ફોન અને આડમાં લાવવામાં આવેલી 2 લાખ રૂપિયાની કિંમતની દવાઓ મળીને કુલ 53,77,600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

વડોદરાના બુટલેગરો સહિત 3 વોન્ટેડ

ઝડપાયેલા હરિયાણાના ડ્રાઈવર જૈદ મોહમ્મદની આકરી પૂછપરછ કરાતા આ દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો અને વડોદરામાં કોને સપ્લાય કરવાનો હતો તેના નામોનો ખુલાસો થયો છે. જેના આધારે પોલીસે દારૂ મોકલનાર સાબીર ઉર્ફે શબ્બીર (રહે. હરિયાણા) તથા વડોદરામાં આ જથ્થો મંગાવનાર સ્થાનિક બુટલેગર આકાશ અશોકભાઇ ઠાકરડા (રહે. ભાલીયાપુરા ગામ) અને મેહુલ નટવરભાઇ કહાર (રહે. વડોદરા)ને વોન્ટેડ જાહેર કર્યા છે. એલસીબી પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર ત્રણેય બુટલેગરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.