Get The App

વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું

Updated: Jun 14th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા: પાયલોટને માર્ગદર્શન આપતી પી.એ.પી.આઇ. સિસ્ટમનું ઈન્સ્ટોલેશન અટવાયું 1 - image

વડોદરા એરપોર્ટની ઉડ્ડયન સુરક્ષા સાથે સંકળાયેલો એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. એરપોર્ટ પર વિમાનોના સુરક્ષિત લેન્ડિંગ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી પી.એ.પી.આઈ. (પ્રિસિઝન એપ્રોચ પાથ ઈન્ડિકેટર)સિસ્ટમનું નવા સ્થળે ઇન્સ્ટોલેશન છેલ્લા ઘણા સમયથી અટવાયું છે. આ વિલંબ પાછળ એરપોર્ટની આસપાસના રહેણાંક મકાનો પર લગાવવામાં આવેલી સોલાર પેનલ્સ અને તેના ઊંચા લોખંડના સ્ટ્રક્ચર મુખ્ય અવરોધ બની રહ્યા હોવાનું એરપોર્ટ સત્તાધીશોએ જણાવ્યું છે.

તાજેતરમાં વડોદરા એરપોર્ટ પર રનવેનું રિ-કાર્પેટિંગ કરાયું છે. આ કામગીરી બાદ રનવેની ઊંચાઈમાં વધારો થયો છે. ઉડ્ડયન સલામતીના નિયમો અનુસાર પાયલોટને લેન્ડિંગ દરમિયાન યોગ્ય ગ્લાઈડ પાથ અને એપ્રોચ એંગલ દર્શાવતી પી.એ.પી.આઈ. લાઈટ્સ સિસ્ટમને નવા લોકેશન પર ખસેડવી જરૂરી છે. જોકે એરપોર્ટની આસપાસ ઊભા થયેલા અવરોધોના કારણે આ મહત્વપૂર્ણ કામગીરી અધૂરી છે.

એરપોર્ટની આસપાસ આવેલા અનેક મકાનોની છત પર સોલાર પેનલ્સ લગાવવામાં આવી છે. પેનલ્સ સાથે ઊભા કરાયેલા લોખંડના સ્ટ્રક્ચરોની ઊંચાઈ ટેકઓફ અને લેન્ડિંગ દરમિયાન વિમાનો માટે જોખમરૂપ બની રહી છે. આ અવરોધો ઉડ્ડયન સુરક્ષા માટે ગંભીર માનવામાં આવી રહ્યા છે. 

એરપોર્ટ ઓથોરિટી દ્વારા છેલ્લા એક વર્ષથી મ્યુનિ.કોર્પોરેશનને અને અન્ય સંબંધિત વિભાગોને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. જોકે અત્યાર સુધીમાં માત્ર વૃક્ષોની ડાળીઓ કાપવા, હોર્ડિંગ્સ અને બનરો દૂર કરવા જેવી કાર્યવાહી કરાઈ છે. જો કે ૫૦ લોકેશન પર સોલાર પેનલ્સ જેવા કાયમી અવરોધો અંગે હજુ સુધી કોઈ નિર્ણાયક પગલાં ભરાયા નથી નથી તેવું એરપોર્ટ સત્તાધીશોનું કહેવું છે. સત્તાધીશોના જણાવ્યા મુજબ, રનવેની લંબાઈમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ સોલાર પેનલ્સ અને અન્ય ઊંચા સ્ટ્રક્ચરોને કારણે વિમાનોના સલામત લેન્ડિંગ માટે ઉપલબ્ધ પર કામીમાં મુશ્કેલીઓ ઊભી થઈ રનવે છે. હાલ પણ નવા સ્ટ્રક્ચરોનું નિર્માણ ચાલુ હોવાથી ભવિષ્યમાં વધુ પડકારો ઉભા થવાની શક્યતા છે.

અત્રે નોંધનીય છે કે, પી.એ.પી.આઈ. એ રનવેની બાજુમાં સ્થાપિત થતી વિશેષ લાઈટ સિસ્ટમ છે, જે પાયલોટને લેન્ડિંગ દરમિયાન વિમાન યોગ્ય ઊંચાઈ અને એંગલ પર છે કે નહીં તેની માહિતી આપે છે. આ સિસ્ટમ વિમાનના સુરક્ષિત લેન્ડિંગ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પી.એ.પી.આઈ. સિસ્ટમ કાર્યરત ન હોય અથવા તેમાં અવરોધ હોય તો ખાસ કરીને રાત્રિ અને ખરાબ હવામાનમાં લેન્ડિંગની જટિલતા વધી શકે છે.

મામલો ડીજીસીએ સુધી પહોંચશે ,હાલ સિસ્ટમ ઈન્સ્ટોલેશન જોખમી

એરપોર્ટ સત્તાધીશોના જણાવ્યા મુજબ, કેટલાક સ્ટ્રક્ચરો પર વિશેષ રેડ લાઈટ્સ લગાવવી ફરજિયાત બની શકે છે. જો નિયમોનું પાલન નહીં થાય તો મામલો ડીજીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન) સમક્ષ લઈ જઈને ડિમોલેશન સહિતની કાર્યવાહી હાથ ધરાઈ શકે છે. એરપોર્ટથી ૨૦ કિલોમીટરના વિસ્તારમાં કોઈપણ પ્રકારના બાંધકામ માટે એરપોર્ટ ઓથોરિટીની એનઓસી ફરજિયાત છે. સ્થાનિક ઓથોરિટીએ ચકાસવું જોઈએ કે બાંધકામ કરનાર પાસે એરપોર્ટની એનઓસી છે કે નહીં. સોલાર પેનલ્સ દૂર નહીં થાય ત્યાં સુધી નવી પી.એ.પી.આઈ.સિસ્ટમ તેના નિર્ધારિત સ્થાન પર સ્થાપિત કરી શકાશે નહીં. સોલાર સ્ટ્રક્ચરો વચ્ચે પી.એ.પી.આઈ. ઈન્સ્ટોલ કરવી એ એરક્રાફ્ટ માટે જોખમી સાબિત થઈ શકે છે.

પેનલ્સ, અન્ય સ્ટ્રક્ચરો 4 મીટરની વધારાની ઊંચાઈ ઊભી કરે છે, સોલાર પેનલ માટે એરપોર્ટ ઓથોરિટીની સમીક્ષા ફરજિયાત

એરપોર્ટ સત્તાધીશોના જણાવ્યા મુજબ, એરપોર્ટ ઓથોરિટીએ કુલ ૧૮૦ જેટલા અવરોધો ગણાવ્યા હતા, તે તમામ વૃક્ષો, હોર્ડિંગ્સ અને બોર્ડ મ્યુનિ.કોર્પોરેશનની મદદથી દૂર કરાયા છે, પરંતુ હજુ પણ સોલાર પેનલ્સ અને અન્ય સ્ટ્રક્ચરોને કારણે સમસ્યા યથાવત છે. મ્યુનિ.કોર્પોરેશન બિલ્ડિંગની મંજૂર ઊંચાઈ સુધી પરવાનગી આપે છે, પરંતુ ત્યારબાદ પાણીની ટાંકી અને સોલાર પેનલ્સ લગાવવાથી ચાર મીટર સુધી વધારાની ઊંચાઈ ઊભી થાય છે. મ્યુનિ.કોર્પોરેશનનું કહેવું છે કે સોલાર પેનલ્સ તેમને અધિકારક્ષેત્રમાં આવતી નથી, જેથી એમજીવીસીએલ સાથે સંકલન કરીને સોલાર પેનલ મંજૂરી પ્રક્રિયામાં એરપોર્ટ ઓથોરિટીની સમીક્ષા ફરજિયાત કરાશે.

આસપાસની વસ્તી અને ઈમારતો ચિંતાનો વિષય

સત્તાધીશોએ જણાવ્યું કે ગત વર્ષે બનેલી અમદાવાદ વિમાન દુર્ઘટના જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખતા એરપોર્ટની આસપાસ ઓછું બાંધકામ અને ઓછી વસ્તી હોવી જોઈએ. એરપોર્ટ સુરક્ષા ઝોનમાં હાઈરાઈઝ બિલ્ડિંગ્સ અને ઊંચા સ્ટ્રક્ચરો ઉડ્ડયન સલામતી માટે સતત જોખમ ઊભું કરે છે.