Get The App

બરાનપુરા વોર્ડ 13-14માં ગેરકાયદે બનેલા ઓટલા, શેડનો સફાયો

Updated: Jun 15th, 2026

GS TEAM

Google News
Google News
બરાનપુરા વોર્ડ 13-14માં ગેરકાયદે બનેલા ઓટલા, શેડનો સફાયો 1 - image

ટ્રાફિકથી ધમધમતા અને શહેરની મધ્યમાં આવેલા બરાનપુરાના ત્રણ રસ્તાના ચોકથી ચોખંડી તરફના વોર્ડ 13-14માંના રસ્તે સ્થાનિકો અને દુકાનદારોએ ગેરકાયદે બનાવાયેલા પાંચ ઓટલા, ત્રણ શેડ પર ફરી વળેલા બુલડોઝરથી રસ્તો ખુલ્લો થયો હતો. પાલિકા તંત્ર ની દબાણ શાખાની આ કાર્યવાહીથી વાહન વ્યવહારને અસર થઈ હતી. કાર્યવાહી જોવા એકત્ર થયેલા લોકટોળાંને પોલીસ કાફલાએ ખદેડયા હતા. આ ઉપરાંત રોડ રસ્તે કરાયેલા દબાણો મળી એક ટ્રક સામાન કબજે કરવામાં આવ્યો હતો.

બનાવવાની વિગત એવી છે કે, વડોદરા શહેરના ટ્રાફિકથી સતત ધમધમતા બરાનપુરા ત્રણ રસ્તાથી ચોખંડી તરફ જતાં માર્ગ પર આવેલા વોર્ડ 13 અને 14ના ત્રિકોણીય વિસ્તારમાં પાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝરના સહારે પાંચ ઓટલા અને ત્રણ શેડના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન માર્ગ પર વાહનોની અવરજવર પર અસર જોવા મળી હતી અને થોડા સમય માટે ટ્રાફિકને ભારે અસર થઈ હતી.

દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થતાં સ્થાનિક લોકો અને વેપારીઓ મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા. કેટલાક લોકોએ વિરોધ નોંધાવવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને સમજાવીને સ્થળ પરથી દૂર ખસેડ્યા હતા. સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે પોલીસના જવાનો સતત પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા.

પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ માર્ગ અને જાહેર જગ્યાઓ પર થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કામગીરી દરમિયાન એક ટ્રક ભરેલો સામાન પણ કબજે લેવામાં આવ્યો હતો, જેને પાલિકાની કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો હતો.

આ કાર્યવાહીથી વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક રહિશો અને વેપારીઓએ ટ્રાફિકની સમસ્યા તેમજ દબાણ મુદ્દે અલગ-અલગ પ્રતિસાદ આપ્યા હતા. પાલિકાએ આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવાની સંકેત આપ્યા છે.