વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદથી ધરપકડ, દારૂના જૂના કેસમાં પોલીસની કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Congress Corporator Arrested: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કોર્પોરેટર આશિષ જોશીની અમદાવાદની રામોલ પોલીસે ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયના દારૂના એક જૂના કેસમાં સંખેડા પોલીસ મથકે નોંધાયેલા ગુના સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ધરપકડને પગલે વડોદરા અને અમદાવાદના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, સંખેડા પોલીસ મથકે નોંધાયેલા દારૂના એક કેસમાં તપાસ દરમિયાન આશિષ જોશીનું નામ સામે આવ્યું હતું. રામોલ પોલીસે લોકેશનના આધારે વોચ ગોઠવી આશિષ જોશી જ્યારે અમદાવાદમાં તેમના સંબંધીને ત્યાં જઈ રહ્યા હતા ત્યારે તેમની અટકાયત કરી હતી. ત્યારબાદ તેમને કાયદેસરની કાર્યવાહી માટે સંખેડા પોલીસને સોંપવામાં આવ્યા છે.
કોંગ્રેસનો આકરો પ્રહાર: "બદલાની ભાવનાથી કરાઈ ધરપકડ"
આ ધરપકડ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કોર્ડીનેટર અને પ્રવક્તા હેમાંગ રાવલે ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ કાર્યવાહીને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, 'આશિષ જોશીએ વોર્ડ નંબર 15માં ભાજપના ધારાસભ્યના ગઢમાં જનતાના પ્રેમથી જીત મેળવી હતી અને તેઓ હરણીકાંડના પીડિતોને ન્યાય અપાવવા મક્કમ હતા, જેના કારણે તેમને નિશાન બનાવાયા છે. એક પકડાયેલા બુટલેગરના નિવેદન પર કોઈ મોટા ગુનેગારની જેમ વોચ રાખીને ધરપકડ કરવામાં આવી છે. જો તે બુટલેગરે ભાજપના કોઈ મંત્રીનું નામ આપ્યું હોત તો શું પોલીસ તેમને પણ પકડત? જે દારૂ ગુજરાતની સરહદથી 300 કિમીનો પ્રવાસ ખેડીને આવ્યો, તે ક્યાંથી આવ્યો અને કોના હપ્તા ગાંધીનગર સુધી પહોંચ્યા તેની તપાસ કરવાને બદલે ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનારા કોર્પોરેટરને પકડવામાં આવ્યા છે.'
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ કાવતરા પાછળ ભાજપના ધારાસભ્ય અને તેમના મળતિયાઓનો હાથ છે. કોંગ્રેસ આગામી દિવસોમાં આ મામલે કાયદાકીય રીતે લડત આપવાની અને સત્ય બહાર લાવવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, પોલીસ આ મામલે પુરાવાઓના આધારે તપાસ ચાલી રહી હોવાનું જણાવી રહી છે. હાલમાં આશિષ જોશીની ધરપકડને કારણે વડોદરા કોર્પોરેશનના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ વિવાદ થવાની શક્યતા છે.









