Gujarat

વડોદરા કોર્પોરેશનનો હદ વિસ્તાર વધતા નવા વહીવટી વોર્ડ બનાવશે

By GS Team
24 Jan 20201 min read
This article was originally published on 24 Jan 2020
વડોદરા કોર્પોરેશનનો હદ વિસ્તાર વધતા નવા વહીવટી વોર્ડ બનાવશે

વડોદરા, તારીખ 24 જાન્યુઆરી 2020, શુક્રવાર 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં છ નવાગામનો બાકી વિસ્તારોનો સમાવેશ કરવામાં આવતા કોર્પોરેશનનો વિસ્તાર વધ્યો છે. આ વિસ્તારના લોકોને કોર્પોરેશનની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે નવા વહીવટી વોર્ડની રચના કરવામાં આવશે.

હાલ કોર્પોરેશનમાં વહીવટી વોર્ડની સંખ્યા 12 છે. રાજ્ય સરકારે ગયા ફેબ્રુઆરી 2019માં નોટિફિકેશન બહાર પાડીને 6 નવાગામ બાપોદ, તરસાલી, કલાલી, ગોરવા, સમા, અને હરણીના બાકી વિસ્તારો કોર્પોરેશનમાં જોડ્યા છે. જેનું ક્ષેત્રફળ આશરે 18 ચોરસ કિલોમીટર થાય છે. 

નવા સમાવિષ્ટ વિસ્તારોમાં પાણી અને ગટરના નેટવર્કને લગતા આશરે 40 કરોડના કામો નવા નાણાકીય વર્ષથી કરવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. વડોદરા શહેરની હદમાં જોડાયેલા ગામોનો હાલ સર્વે ચાલુ છે, અને એક અંદાજ મુજબ આ ગામોના વિસ્તારોમાં સોળ હજાર મકાનો છે. જેમાંથી 10 હજાર મકાનોનો સર્વે થઇ ચૂક્યો છે. બાકીના મકાનોની સર્વેની કામગીરી ફેબ્રુઆરી સુધીમાં પૂરી થઈ જશે. સર્વે બાદ અહીં મિલકતવેરાના બીલો નોટિફિકેશન બહાર પડ્યું, ત્યારથી અપાશે જેના લીધે કોર્પોરેશનને આશરે પાંચ કરોડની આવક થશે તેમ જાણવા મળ્યું છે. 

કોર્પોરેશનમાં મિલકતવેરા સહિત જનરલ ટેક્સનો ટાર્ગેટ ચાલુ વર્ષે 485 કરોડનો છે. જેમાં હવે ઉપર ગામોના મકાનોનો સર્વે બાદ બિલો આપવાના હોવાથી ટાર્ગેટ વધારીને આશરે 492 કરોડ કરવામાં આવ્યો છે.