Gujarat

વડોદરા કોર્પોરેશન પણ હવે જર્જરિત મકાનોની રીડેવલપમેન્ટ યોજના અમલમાં મૂકશે

By GS Team
23 Mar 20222 mins read
This article was originally published on 23 Mar 2022
વડોદરા કોર્પોરેશન પણ હવે જર્જરિત મકાનોની રીડેવલપમેન્ટ યોજના અમલમાં મૂકશે

વડોદરા,તા.23 માર્ચ 2022,બુધવાર

વડોદરા કોર્પોરેશને તાંદલજા, તરસાલી, નવીધરતી , બાવચાવાડ, જેતલપુર સહિતના વિસ્તારોમાં આવાસો બનાવી આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ફાળવ્યા હતા. જે હાલ જર્જરિત થઈ જતા મકાનના પુનનિર્માણ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રિડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ સ્કીમના અમલીકરણ માટે પ્રથમ તબક્કામાં તાંદલજા સનફારમા રોડ ખાતેના આવાસોનો સમાવેશ કરવા તથા આ પ્રકારના અન્ય કિસ્સાઓમાં આ યોજનાના અમલીકરણ માટેના નીતિ વિષયક નિર્ણયની સત્તા મ્યુનિસિપલ કમિશનરને સોંપવા સ્થાયી સમિતિ મારફતે સમગ્ર સભાની મંજૂરી અંગે નું કામ રજૂ થયું છે. અત્રે નોંધનીય છે કે, લાભાર્થીઓને તેજ સ્થળે આવાસ મળવાથી ઘણા લાભ થશે.

વડોદરા કોર્પોરેશનના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિવિધ પ્રકારના આવાસો બનાવવામાં આવે છે. જે આવાસો પીપીપી મોડલ, એએચપી અને બીએલસી હેઠળ સરકારની જમીન, લાભાર્થીની પોતાની માલિકીની જમીન અથવા યુએલબીની માલિકીની જમીન પર યોજનાની ગાઈડ લાઈન મુજબ બાંધકામ કરવામાં આવે છે. સરકારી વિભાગો દ્વારા નિર્મિત કરાયેલા આવાસો લાંબા ગાળે મોટાભાગના કિસ્સાઓમાં મેન્ટેનન્સના અભાવે જર્જરિત થતાં હોય તેવા જર્જરિત મકાનોના પુનઃનિર્માણ માટે રિડેવલપમેન્ટ ઓફ પબ્લિક હાઉસિંગ સ્કીમ 2016 હેઠળ રાજ્ય સરકાર દ્વારા યોજનાના લાભ માટે લાભાર્થી નક્કી સૂચન કર્યું છે. આ યોજનામાં લાભાર્થીઓને પ્રાથમિક સુવિધા સાથે બે રૂમ રસોડાનું 30 ચોરસ મીટર કારપેટ એરિયા વાળુ મકાન આપવામાં આવશે. અને લાભાર્થીને પજેશનના મળે ત્યાં સુધી ભાડું જે તે કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવાશે. વડોદરા કોર્પોરેશન દ્વારા નબળા વર્ગો માટે વર્ષ 2003-04માં તાંદલજા સનફારમા રોડ ખાતે કુલ 240 આવાસો ફાળવ્યા હતા. જે હાલમાં નીલગીરી ફ્લેટ નામે ઓળખાય છે. હાલ આવાસોની સ્થિતિ જર્જરિત છે. જેથી વહીવટી વોર્ડ નંબર છ ની નિર્ભયતા શાખા તરફથી અવારનવાર નોટિસ પણ પાઠવવામાં આવી છે. નીલગીરી ફ્લેટના રહીશોએ સમાયંતરે સરકારી આવાસ યોજનામાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી. જેથી કોર્પોરેશનને સર્વે હાથ ધરતાં કેટલીક વિગતો સપાટી પર આવી હતી. જેમાં મૂળ લાભાર્થીઓ દ્વારા અન્ય વ્યક્તિઓને મોટા ભાગના મકાનો વેચી દેવામાં આવ્યા છે. કેટલાક મકાનો ભાડે આપવામાં આવ્યા છે. લાભાર્થીઓને ફળવેલા કેટલાક મકાનો લાંબા સમયથી બંધ છે.

હાલ વસવાટ કરતા વ્યક્તિ પાસે વડોદરા શહેર કે તેની સીમમાં રહેણાંક આવાસ કે પ્લોટ અથવા તેના પરિવારના નામે ધરાવતો નથી. તેવા લાભાર્થીઓને સમાવેશ કરી શકાય .તેમજ મુળ લાભાર્થી દ્વારા સંમતિ આપવામાં આવે તો પણ લાભાર્થીને યોજનાનો લાભ મળશે. 25 માર્ચ શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવાશે.