Vadodara Fraud Case : વડોદરાની કેમિકલ ઉત્પાદક કંપની દીપક નાઇટ્રાઇટ લિમિટેડ આંતરરાષ્ટ્રીય સાયબર ઠગાઈનો ભોગ બની છે. જર્મનીની એક કંપની સાથેના ટેકનિકલ કરાર અંતર્ગત કરવામાં આવેલી ચુકવણી દરમિયાન સાયબર ઠગોએ નકલી ઈ-મેઈલ આઈડી બનાવી કંપનીના અધિકારીઓને ગેરમાર્ગે દોરી યુરો 46,959 (અંદાજે રૂ. 47 લાખથી વધુ) પોર્ટુગલ સ્થિત બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. સમગ્ર ઘટનાનો ખુલાસો થતાં કંપનીએ જવાબદારો સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
છાણી વિસ્તારમાં રહેતા અને દીપક નાઇટ્રાઇટ લિમિટેડમાં ચીફ મેનેજર (એકાઉન્ટ્સ) તરીકે ફરજ બજાવતા લક્ષ્મી ગણપતિએ કંપની વતી ફરિયાદ નોંધાવી છે. કંપનીએ વર્ષ 2024 દરમિયાન જર્મનીની કંપની સાથે સોડિયમ નાઇટ્રાઇટના ઉત્પાદન માટે જરૂરી પ્રોસેસ ટેક્નોલોજીની ચકાસણી અને ફિઝિબિલિટી ટેસ્ટ માટે કરાર કર્યો હતો.
કરાર મુજબની ચુકવણી પ્રક્રિયા દરમિયાન ઠગોએ જર્મન કંપનીના અધિકારીના ઈ-મેઈલ સરનામા સાથે મળતું આવતું નકલી ઈ-મેઈલ એકાઉન્ટ બનાવી કંપનીના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો. આ ઈ-મેઈલ દ્વારા પેમેન્ટ માટે નવી બેંકિંગ વિગતો મોકલી પોર્ટુગલની બેંકના ખાતામાં રકમ જમા કરાવવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે દીપક નાઇટ્રાઇટની ઓમાન સ્થિત સહાયક કંપનીના કોટક મહિન્દ્રા બેંક, ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતેના ખાતામાંથી 17 ઓક્ટોબર, 2025ના રોજ યુરો 46,959 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
ચુકવણી થયા બાદ લગભગ ત્રણ મહિના સુધી કોઈ શંકા ઉભી થઈ નહોતી. જોકે જાન્યુઆરી-2026 દરમિયાન જર્મન કંપનીએ બાકી રહેલી ચુકવણી અંગે પૂછપરછ કરતાં કંપનીના અધિકારીઓ ચોંકી ઊઠ્યા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મૂળ ઈ-મેઈલ વ્યવહારમાં સાયબર ઠગોએ વચ્ચે પ્રવેશ મેળવી બે પક્ષો વચ્ચેના સંવાદમાં ફેરફાર કર્યો હતો અને ખોટી બેંક વિગતો મોકલી હતી.
કંપનીની આંતરિક આઈટી તપાસમાં આ સમગ્ર કૌભાંડ મેન ઇન ધ મિડલ પ્રકારની સાયબર છેતરપિંડી હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ કંપનીએ કોટક મહિન્દ્રા બેંકને સંપર્ક કરી રકમ રોકાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ લાભાર્થી બેંક તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી.
આ મામલે કંપનીએ નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવી હતી. જોકે રકમ પરત ન મળતાં હવે નકલી ઈ-મેઈલ આઈડી બનાવનાર, તેનો ઉપયોગ કરનાર તેમજ જે ખાતામાં રકમ જમા થઈ હતી તેનાથી સંકળાયેલા તમામ શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ સાયબર ઠગાઈના આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે પણ તપાસ ચલાવી રહી છે.


