મોલાસીસનો અઢી હજાર મેટ્રિક ટન જથ્થો મોકલવાના બહાને
જથ્થો પૂરો નહીં પાડતા અપાયેલો ચેક પણ પરત ફરતા માલિક અને મેનેજર સામે સીઆઈડી ક્રાઇમમાં ગુનો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના માણસામાં એગ્રો ટ્રેડિંગનો વ્યવસાય કરતા વેપારી સાથે ઉતરાખંડના હરિદ્વાર ખાતે આવેલી એગ્રો કંપની દ્વારા મોલાસિસનો જથ્થો પૂરો પાડવા માટે એડવાન્સ પેટે એક કરોડ રૃપિયા લઈને જથ્થો પૂરો નહીં પાડી છેતરપિંડી કરવામાં આવી હોવાની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે માણસા
ખાતે રહેતા અમરતભાઈ વેલજીભાઈ ચૌધરી જીઆઇડીસીમાં ગુજરાત એગ્રીકો નામની પેઢી ચલાવે
છે. તેમના મિત્ર કમલેશભાઈ ભાવસાર મારફતે ઉત્તરાખંડની ધનશ્રી સુગર મિલ વિશે જાણકારી
મળી હતી. મિલના માલિક શ્રેયા સહાની અને જનરલ મેનેજર અરુણકુમાર ભાટી સાથે દિલ્હી
અને હરિદ્વાર ખાતે મળેલી બેઠકો બાદ ૯૦૦૦ પ્રતિ ટનના ભાવે ૨૫૦૦ મેટ્રિક ટન મોલાસીસ
ખરીદવાનો સોદો નક્કી થયો હતો. વિશ્વાસ કેળવવા માટે ૫૦૦ના સ્ટેમ્પ પેપર પર કંપનીએ
કરાર કર્યા હતા અને એડવાન્સ ડિપોઝિટ તરીકે ૧.૨૫ કરોડની માંગણી કરી હતી. જોકે
અમરતભાઈએ ગત જાન્યુઆરી-ફેબુ્રઆરી દરમિયાન આરટીજીએસ મારફતે કુલ એક કરોડ રૃપિયા
કંપનીના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા.
નાણાં મેળવ્યા બાદ, કંપનીએ માત્ર ૧૩૪.૩૩૦ મેટ્રિક ટન મોલાસીસ સપ્લાય કર્યો હતો. જે પણ અત્યંત હલકી કક્ષાનો હતો. ત્યારબાદ બાકીનો માલ કે જરૃરી એનઓસી અને સેલ લેટર આપવાને બદલે આરોપીઓ ગોળ-ગોળ વાતો કરવા લાગ્યા હતા.જ્યારે અમરતભાઈએ પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે શ્રેયા સહાનીએ ૧ કરોડનો ચેક આપ્યો હતો. જોકે, આ ચેક બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો. જેથી ફરી સંપર્ક કરતા નાણાં પરત આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેનાથી છેતરપિંડી થઈ હોવાનું જણાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. હાલ ગાંધીનગર સીઆઇડી ક્રાઈમમાં કંપનીના માલિક શ્રેયા સહાની અને જનરલ મેનેજર અરુણ ભાટી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


