Get The App

નસવાડીમાં સ્મશાનના રસ્તે ભંગારના ઢગલા: વેપારીની દાદાગીરી સામે તંત્રની ચેતવણી, '2 દિવસમાં રસ્તો ખુલ્લો કરો'

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
નસવાડીમાં સ્મશાનના રસ્તે ભંગારના ઢગલા: વેપારીની દાદાગીરી સામે તંત્રની ચેતવણી, '2 દિવસમાં રસ્તો ખુલ્લો કરો' 1 - image

Naswadi News: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીમાં અશ્વિન નદીના કિનારે આવેલા સ્મશાન ઘાટના રસ્તાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો વિવાદ ફરી એકવાર ગરમાયો છે. સ્મશાન જવાના મુખ્ય રસ્તા પર ભંગારના ઢગલા ખડકી દેનાર વેપારીએ તંત્રની સૂચના છતાં રસ્તો ખુલ્લો ન કરતાં શુક્રવારે(29 મે) સ્થાનિકોમાં ભારે હોબાળો મચ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને નસવાડી મામલતદાર અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને વેપારીને બે દિવસમાં રસ્તો ખુલ્લો કરવા આખરી ચેતવણી આપી છે.

દલિત અને આદિવાસી સમાજના સ્મશાનનો રસ્તો રોકાયો

મળતી માહિતી મુજબ, નસવાડી ખાતે અશ્વિન નદીના કિનારે દલિત અને આદિવાસી સમાજનું વર્ષો જૂનું સ્મશાન ઘાટ આવેલું છે. છેલ્લા કેટલાક સમયથી એક સ્થાનિક ભંગારના વેપારીએ સ્મશાન જવાના જાહેર રસ્તા પર જ ભંગારના મોટા-મોટા ઢગલા નાખી દીધા હતા. આ ગેરકાયદે દબાણને કારણે ગામમાં કોઈનું મૃત્યુ થાય ત્યારે મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સ્મશાન ઘાટ સુધી લઈ જવામાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.

અગાઉની સૂચનાને ઘોળીને પી જતાં મચ્યો હોબાળો

આ બાબતે સ્થાનિક ગ્રામજનો દ્વારા અગાઉ પણ નસવાડી મામલતદારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તે સમયે મામલતદારે વેપારીને કડક શબ્દોમાં ભંગાર હટાવી લેવા જણાવ્યું હતું. આમ છતાં, ભંગારના વેપારીએ વહીવટી તંત્રના આદેશને ઘોળીને પી જઈ રસ્તો ખુલ્લો કર્યો ન હતો. આજે ફરીથી આ મુદ્દે સ્થાનિક લોકો એકઠા થયા હતા અને તંત્રની ઢીલી નીતિ સામે ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો: પ્રજાના પ્રશ્નોથી મંત્રી ઘેરાયા! સુઈગામમાં પીવાના પાણી મુદ્દે ચકમક ઝરતા મંત્રીએ કેમેરા બંધ કરાવ્યા, જનતા દરબારમાં હોબાળો

મામલતદાર અને પોલીસની ચિમકી: 2 દિવસની છેલ્લી તક

હોબાળાના સમાચાર મળતા જ નસવાડી મામલતદાર અને પોલીસનો મોટો કાફલો તાત્કાલિક અશ્વિન નદી કિનારે પહોંચી ગયો હતો. અધિકારીઓએ સ્થળ પર જ વેપારીનો ઉધડો લીધો હતો. આખરે તંત્રના કડક વલણને જોઈને ભંગારના વેપારીએ નમતું જોખ્યું હતું અને સામાન હટાવવા માટે બે દિવસની મુદ્દત માંગી હતી.

મામલતદારે વેપારીને કડક સૂચના આપતા જણાવ્યું છે કે, જો આગામી બે દિવસમાં સ્મશાનનો રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરવામાં નહીં આવે, તો કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના સીધી જ કાનૂની અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.