Gujarat

ગોત્રી વિસ્તારમાં દવાઓનો જથ્થો ફેંકી જતા હોબાળો : રહીશોમાં રોષ

By GS TEAM
16 Jun 20262 mins read
TukuTouch Logo
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકી દેવામાં આવતાં સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી ફેલાઈ છે. રહીશોએ સમગ્ર મામલે તપાસ કરીને જવાબદાર વ્યક્તિ કે સંસ્થા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોત્રી વિસ્તારમાં દવાઓનો જથ્થો ફેંકી જતા હોબાળો : રહીશોમાં રોષ

Vadodara : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જાહેર માર્ગ પર મેડિકલ વેસ્ટનો જથ્થો ફેંકી દેવામાં આવતાં સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી ફેલાઈ છે. રહીશોએ સમગ્ર મામલે તપાસ કરીને જવાબદાર વ્યક્તિ કે સંસ્થા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગોત્રી વિસ્તારમાં આવેલા કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામે નવનાથનગર સોસાયટી તરફ જતા માર્ગ પર દવાઓ, ઇન્જેક્શન, ક્રીમ સહિતની વિવિધ મેડિકલ સામગ્રીનો જથ્થો પડેલો જોવા મળ્યો હતો. આ અંગે જાણ થતાં સ્થાનિક રહીશોમાં ચિંતા અને રોષની લાગણી ફેલાઈ હતી.

સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ સ્થળ પર મળી આવેલી દવાઓની એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ નથી. તેથી ઉપયોગમાં લઈ શકાય તેવી દવાઓ અને અન્ય મેડિકલ સામગ્રી જાહેરમાં ફેંકી દેવાનું કારણ સમજાતું નથી. નજીકમાં તબીબોના ક્વાર્ટર્સ પણ આવેલા હોવાથી આ સામગ્રી ક્યાંથી આવી તે અંગે પણ સવાલો ઊભા થયા છે.

એક રહીશે જણાવ્યું હતું કે જાહેર સ્થળે આ પ્રકારની મેડિકલ સામગ્રી ફેંકી દેવાની ઘટના ગંભીર છે અને તેની પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ થવી જોઈએ. તેમણે દોષિત સામે દંડાત્મક તેમજ ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

અન્ય એક સ્થાનિક રહીશે જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિ લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડા સમાન છે. જો આ સામગ્રીનો અયોગ્ય રીતે ઉપયોગ થાય અથવા બાળકોના હાથમાં પડી જાય તો ગંભીર પરિણામો સર્જાઈ શકે છે. તેથી જવાબદાર સામે કડક પગલાં ભરવાની જરૂર છે. જાહેર સ્થળે મેડિકલ વેસ્ટ ઠાલવવાની ઘટના સામે આવતા પર્યાવરણ અને જાહેર આરોગ્યની સુરક્ષા અંગે પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.