Gujarat Bar Council Elections: આજે 6ઠ્ઠી માર્ચ શુક્રવારના રોજ ગુજરાત બાર કાઉન્સિલની પ્રતિષ્ઠાભરી ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યના વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે, ગુજરાત યુનિવર્સિટીના મતદાન મથક ખાતે હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે.
યુનિવર્સિટીના મતદાન મથક ખાતે બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો
અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ મતદાન મથક બહાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હોબાળો થયો છે. મળતી માહિતી મુજબ, કેટલાક ઉમેદવારોએ ગેરકાયદે રીતે બેલેટ પેપરને લઈ જતા રોક્યા હતા. આમ, મતદાન બાદ સ્ટ્રોંગ રૂમમાં બેલેટ પેપર લઈ જતી વખતે હોબાળો થયો હતો.
મતદાન પેટીઓ રામ ભરોસે
ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ મતદાન મથક ખાતે ચૂંટણી પૂર્ણ થયા બાદ ગણતરી કરવાની જગ્યાએ મતદાન પેટીઓ પાછળની ગલીમાંથી લઈ અંધારામાં વાહન ઉભા રાખ્યા હોવાનો વકીલોનો આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલે એક વકીલ દ્વારા વીડિયો જાહેર કરીને માહિતી આપી હતી. વાઈરલ વીડિયોમાં યુનિવર્સિટીની પાછળની ગલીમાં ઉભેલા વાહનમાં મતદાન પેટીઓ જોવા મળે છે. જેની દેખરેખ રાખવા માટે કોઈ પ્રકારે સુરક્ષા કે કોઈ વ્યક્તિ હાજર જોવા મળ્યું ન હતું. આમ, મદાન પેટીઓ રામ ભરોસે જોવા મળી હતી.
સમગ્ર મામલે ચૂંટણી કમિશનરે પોલીસને જાણ કરી હતી. જેને લઈને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટનામાં 1-2 ઉમેદવારોએ જબરદસ્તી ગાડી રોકીને ચૂંટણી કમિશનર સાથે બિભત્સ વર્તન કરીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે.


