Get The App

અમદાવાદમાં કમોસમી વરસાદ અને 'મિની વાવાઝોડા'એ તારાજી સર્જી, ખેડૂતોનો પાક પલળ્યો

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં કમોસમી વરસાદ અને 'મિની વાવાઝોડા'એ તારાજી સર્જી, ખેડૂતોનો પાક પલળ્યો 1 - image


Crop Damage Ahmedabad: અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુદરત રૂઠી હોય તેમ ગુરૂવારે (19મી માર્ચ) મિની વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. બાવળા, ધોળકા, સાણંદ અને ખાસ કરીને ભાલ પંથકમાં તૈયાર થયેલા રવિ પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પર આભ ફાટ્યું છે.

ઘઉં-ચણાના પાકને નુકસાન

મળતી માહિતી અનુસાર, ધંધુકા અને ધોલેરા પંથકમાં હાલ ઘઉં અને ચણાના પાકની લણણી પૂરજોશમાં ચાલી રહી છે. અનેક ખેડૂતોએ પાક કાપીને ખળામાં રાખ્યો હતો, ત્યારે જ અચાનક આવેલા વાવાઝોડા અને વરસાદે તારાજી સર્જી છે. પૂરઝડપે ફૂંકાયેલા પવનને કારણે ખેતરોમાં ઉભો પાક આડો પડી ગયો છે. કાપણી કરીને રાખેલો પાક વરસાદી પાણીમાં પલળી જતાં ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે.

ડાંગર અને અન્ય પાકોમાં પણ પાયમાલ

માત્ર ભાલ જ નહીં, પરંતુ સાણંદ, બાવળા અને ધોળકા પંથકમાં પણ કમોસમી વરસાદની અસર જોવા મળી છે. અહીં ઉનાળુ ડાંગરના પાકને પણ મોટું નુકસાન થયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સતત બદલાતા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતામાં અનેકગણો વધારો થયો છે.

આ પણ પાંચો: ગુજરાતના 700થી વધુ ખેડૂતો 6 મહિને પણ કૃષિ સહાયથી વંચિત, સહાય આપવામાં સરકારના ઠાગાઠૈયા

ગુણવત્તા બગડતા ભાવ ઘટવાની ભીતિ

પીડિત ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, પાક પલળી જવાથી હવે તેની ગુણવત્તા જળવાશે નહીં. જ્યારે અમે આ માલ લઈને માર્કેટમાં જઈશું, ત્યારે પલળેલો હોવાથી વેપારીઓ પૂરતા ભાવ આપશે નહીં. જો માર્કેટમાં યોગ્ય ભાવ નહીં મળે, તો અમારે દેવાના ડુંગર નીચે દબાઈ જવાનો વારો આવશે.

સરકાર પાસે વળતરની માંગ

હાલ ખેડૂતો એકસૂરે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે, અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવવામાં આવે. થયેલા નુકસાન મુજબ યોગ્ય આર્થિક વળતર જાહેર કરવામાં આવે. પલળેલા પાકને પણ માર્કેટમાં ટેકાના ભાવ કે યોગ્ય કિંમત મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે. અચાનક આવેલા આ કુદરતી પ્રકોપને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.