Gujarat

મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં વધારો, પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા મુખ્ય કારણ!

By GS TEAM
12 Oct 20252 mins read
TukuTouch Logo
વર્ષ 2023માં રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ નોંધાયેલા કુલ 7,805 ગુના પૈકી 2,176 ગુના મહિલાના પતિ અથવા પતિના સંબંધીઓ દ્વારા આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારના ગુના IPCની કલમ 498(એ) હેઠળ નોંધવામાં આવે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં વધારો, પતિ કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતા મુખ્ય કારણ!
Image Source: Envato 

Violence against women in Gujarat: વર્ષ 2023માં રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ નોંધાયેલા કુલ 7,805 ગુના પૈકી 2,176 ગુના મહિલાના પતિ અથવા પતિના સંબંધીઓ દ્વારા આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારના ગુના IPCની કલમ 498(એ) હેઠળ નોંધવામાં આવે છે. પતિ અથવા પતિના સંબંધીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાએ રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ નોંધાયેલા કુલ ગુનાના લગભગ 27.87 ટકા જેટલા થાય છે. આંકડા દર્શાવે છે કે વર્ષ 2023માં ગુજરાતમાં ગુનાખોરીનો સામનો કરનારી 4માંથી 1 મહિલાએ તેના જીવનસાથી કે તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતાનો અનુભવ કર્યો છે.

વર્ષ 2023માં પ્રદેશમાં 2,191 મહિલાઓએ તેમના પતિ કે પતિના સંબંધી દ્વારા ક્રૂરતાનો સામનો કર્યો છે. NCRBના આંકડા પ્રમાણે રાજ્યમાં દર 1 લાખ પૈકી 6 મહિલાઓ જીવનસાથી કે તેના સંબંધીઓ દ્વારા આચરવામાં આવતા ગુનાનો ભોગ બને છે.

ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 498(A) પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા પરિણીત સ્ત્રી પ્રત્યેની ક્રૂરતાને ગુનાહિત ગણે છે, જેમાં દહેજ માટે ઉત્પીડન અથવા માનસિક, શારીરિક નુકસાન પહોંચાડતા અન્ય કૃત્યોનો સમાવેશ થાય છે. આ ગુના હેઠળ ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ થઈ શકે છે.

આ પણ વાંચો: ભુજ: 60 વર્ષના વિધુર જોડે લગ્ન કરનારી મહિલાએ રૂપિયા માટે પતિને જીવતો સળગાવ્યો

વર્ષ 2023માં અમદાવાદ શહેરમાં 498(A)ની કલમ હેઠળ 544 ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 545 મહિલાઓ તેમના પતિ અથવા તેના સંબંધીઓ દ્વારા ક્રૂરતાનો ભોગ બની હતી. અમદાવાદમાં દર લાખ પૈકી 18 મહિલાઓ આ ગુનાનો ભોગ બને છે. આ જ રીતે સુરતમાં 339 ગુના દાખલ કરવામાં આવ્યા, જ્યાં દર 1 લાખ પૈકી 17 મહિલાઓને આ ગુનાનો સામનો કરવો પડે છે.

દુષ્કર્મના 99 ટકા કેસમાં આરોપી - પીડિતા પરિચિત

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે – વર્ષ 2023માં રાજ્યમાં દુષ્કર્મના કુલ 634 પૈકી 630 કેસ એવા હતા કે જ્યાં પીડિતા અને આરોપી એકબીજાથી પરિચિત હતા. 357 કેસમાં મહિલાઓ સાથે લગ્ન કરવાના બહાને આ ગુનો મિત્ર, ઓનલાઈન મિત્ર, લિવ-ઈન-પાર્ટનર અથવા મહિલાથી અલગ થયેલા પતિ દ્વારા આચરવામાં આવ્યા હતા. જ્યારે 235 કેસમાં ગુનેગારો કૌટુંબિક મિત્ર, પડોશી, નોકરીદાતાઓ અથવા અન્ય જાણીતા વ્યક્તિઓ હતા. આનો અર્થ એ થાય કે રાજ્યમાં લગભગ 99.4 ટકા દુષ્કર્મના કેસમાં પીડિતા અને આરોપી એકબીજાથી પરિચિત હતા.

વર્ષ 2023માં રાજ્યમાં બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ અધિનિયમ (પોક્સો એક્ટ) હેઠળ કુલ 2,548 ગુના નોંધાયા હતા. ગુજરાતમાં 2,570 છોકરીઓ જાતીય ગુનાનો ભોગ બની હતી, જે પ્રતિ લાખ વસ્તીમાં 7 છોકરીઓ થાય છે.

રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાખોરીમાં નજીવો 0.94 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં રાજ્યમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાખારીના કુલ 7,805 કેસ નોંધાયા હતા, જે વર્ષ 2022માં 7,731 હતા.

આ પણ વાંચો: રાજકોટના ડેડરવા ગામમાં હડકાયા શ્વાને 15થી વધુ લોકોને બચકા ભર્યા, લોકોમાં ભયનો માહોલ