ભુજ: 60 વર્ષના વિધુર જોડે લગ્ન કરનારી મહિલાએ રૂપિયા માટે પતિને જીવતો સળગાવ્યો

Bhuj Crime: ભુજમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં એક પત્નીએ પોતાના 60 વર્ષીય પતિને રૂપિયાની લાલચમાં જીવતો સળગાવી દીધો હતો. હાલ, ગંભીર રીતે દાઝેલો વૃદ્ધ પકિ જી. કે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે માનકુવા પોલીસે વૃદ્ધની પત્ની સામે હત્યાના પ્રયાસ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ તહેવાર ટાણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ભયંકર ભીડથી મુસાફરો પરેશાન! 1 કિ.મી. લાંબી કતાર
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ભુજના સામત્રા ગામમાં રહેતા 60 વર્ષીય ધનજીભાઈ પટેલે પહેલી પત્નીના મૃત્યુ બાદ લગભગ દોઢ વર્ષ પહેલાં કૈલાસ નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. કૈલાસના પોતાના પહેલાં પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. ધનજીભાઈને ત્રણ દીકરા છે પરંતુ, તેમાંથી બે વિદેશમાં છે અને એક પોતાના જ ગામમાં સ્વતંત્ર પોતાના પરિવાર સાથે રહે છે. ધનજી પટેલ અને કૈલાસ બંને એકલા રહેતા હતાં. જોકે, લગ્ન બાદ કૈલાસે ધનજી પટેલની પહેલી પત્નીના અંદાજિત 18 તોલા સોનાના દાગીના લઈ લીધા હતા. આ દાગીનામાં મંગળસૂત્ર, પાટલા, કંઠી અને વીંટીનો સમાવેશ થાય છે. ધનજી પટેલ જ્યારે આ દાગીના પરત માંગતા તો તે પાછા ન આપતી અને ઝઘડા કરતી. આ દરમિયાન કૈલાસે ભૂજમાં પોતાના નામે એક ઘર ખરીદ્યું હતું, જેના હપ્તા પણ ધનજી પાસેથી લઈ જતી. જો તે કૈલાસને રૂપિયા આપવાની ના પાડે તો તે જાનથી મારી નાંખવાની ધમકી આપતી હતી. આ વિશે પીડિત કૈલાશે પોતાના ગામમાં રહેતા દીકરા અને અન્ય એક સામાજિક કાર્યકર સાથે પણ વાત કરી હતી.
કેરોસીન છાંટી સળગાવી દીધા
શનિવારે (11 સપ્ટેમ્બર) સાંજે પાંચ વાગ્યે કૈલાસે ફરી ધનજી પટેલ પાસે પૈસા માંગ્યા. જોકે, ત્યારે તેણે પૈસા આપવાનો ઈનકાર કરતા કૈલાસ ઉશ્કેરાઈ અને 'આજે તો તને જીવતો નહીં મૂકું...' કહીને કૈલાસે પતિનો હાથ ખેંચીને ઘરની બાજુમાં આવેલા ગેરેજમાં લઈ ગઈ અને કેરોસીનની બોટલ ખોલીને પતિ ઉપર છાંટી દિવાસળી ચાંપી દીધી. એકબાજુ પતિ સળગી રહ્યો હતો અને બૂમો પાડતો ત્યાં બીજી બાજુ કૈલાસ ગેરેજના નાના દરવાજેથી બહાર નીકળી દરવાજો બંધ કરી દીધો હતો.
સમગ્ર ઘટનાની જાણ થતાં ધનજી પટેલનો દીકરો અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તુરંત એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી અને તેમને જી. કે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં ડૉક્ટરોએ જણાવ્યું કે, તેમણે 90 ટકા સુધી દાઝી ગયા છે. જોકે, હાલ ડૉક્ટર તેમની સારવાર કરી રહ્યા છે.
પોલીસે આરોપીની કરી ધરપકડ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આખી ઘટના વિશે ધનજી પટેલના પુત્રએ માનકુવા પોલીસ સ્ટેશનમાં કૈલાસ સામે ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે આરોપી કૈલાસને ઝડપી લીધી છે અને તેની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે.