કપડવંજના આંતરસુબા વિસ્તારમાં બેરોકટોક ચાલતા દારૂ- જુગારના અડ્ડા

- બુટલેગરો, પોલીસના ઘરોબોથી કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ
- ઉત્કંઠેશ્વર, આયુષ્ય દવાખાનાથી નીકોલ ખલવાડા, પુનાદરા, વાઘાવત, કેનાલ, વાત્રક નદી કાંઠે દારૂના વેચાણની બૂમ
કપડવંજ : કપડવંજના આંતરસુબા વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે. પોલીસની રહેમનજર હેઠળ બેરોકટોક દારૂ- જુગારના અડ્ડા ધમધમતા હોવાનું સ્થાનિકો આક્ષેપ સાથે કહી રહ્યા છે.
કપડવંજ નજીક કઠલાલમાં દોઢ કરોડનો દારૂ ઝડપાતા પોલીસ તંત્રએ પીઆઈને સસ્પેન્ડ કરી સંતોષ માની લીધો છે. ૩૧ ડિસેમ્બર નજીક આવી રહી છે અને છંડીના માહોલ વચ્ચે કપડવંજ તાલુકાના આંતરસુબા સહિત આસપાસના વિસ્તારમાં બેરોકટોક દારૂ- જુગારના અડ્ડા ધમધમતા હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. આંતરસુબાથી ઉત્કંઠેશ્વર તરફ આયુષ્ય દવાખાનાથી નીકોલ ખલવાડા, પુનાદરા વિસ્તાર અને વાઘાવત, નર્મદા કેનાલ, વાત્રક નદીના કાંઠા ઉપર દારૂનું વેચાણ ચાલી રહ્યું છે.
સ્થાનિક રહીશોએ આક્ષેપો સાથે જણાવ્યું છે કે, આંતરસુબા વિસ્તારમાં દારૂ જુગારની બદીના કારણે યુવાનો લતે ચઢી જતા ઘણા ઘર- પરિવાર બરબાદ થયા છે તો કેટલાક દેવાદાર બન્યા છે. બુટલેગરોએ હપ્તો આપી ઘરોબો કેળવ્યો હોવાથી પોલીસ જ તેમને રક્ષણ આપે છે. પરિણામે અડ્ડાઓ ચલાવનારા વિરૂદ્ધ પોલીસને ફરિયાદ કે રજૂઆત કરતા સ્થાનિકો ભય અનુભવવા સાથે બદી સહન કરી રહ્યા છે. આંતરસુબા પોલીસની રહેમનજર હેઠળ દારૂ- જુગારની બદી વકરી હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે આંતરસુબા વિસ્તારમાં દારૂ- જુગારના અડ્ડાઓ બંધ કરાવી બુટલેગરોને જેલ હવાલે કરવા સાથે કડક કાર્યવાહી કરવા માંગણી ઉઠી છે.









