નવા સેક્ટરોમાં પાણીની લાઇન નહીં બદલવાના માઠાં પરિણામ
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ રૃપિયા ૩૨૫ કરોડથી વધુ ખર્ચ કરાયા બાદ પણ મુશ્કેલી ઃ નવા સેક્ટરોમાં પાણીનો કકળાટ
રજાના દિવસ રવિવારે જ સેક્ટર ૩ અને ૫ સહિતના નવા સેક્ટરના
વિસ્તારમાં પીવાના પાણી નહીં આવતાં બુમરાણ મચી ગઇ હતી. આમ થવા પાછળનું કારણ એ હતું, કે ગ રોડથી ખ રોડ
તરફ જવાના રસ્તે જેને મેઇન લાઇન કહેવામાં આવે છે. તેવી સેક્ટરોમાં પાણી
પહોંચાડવાની ટ્રંક લાઇન તૂટી ગઇ હતી. જેના પગલે આસપાસના વિસ્તારમાં રોડ પર વગર
વરસાદે પાણી વહેતા થયા હતાં. ચોમાસાનો
ભારે વરસાદ થયો હોય તેવા દશ્યો સર્જાયાના પગલે પાણી પુરવઠા વિભાગ, પાટનગર યોજના
વિભાગ અને મહાપાલિકાના અધિકારીઓની ઉંઘ ઉડી ગઇ હતી. આખરે સમારકામ માટે પાટનગર યોજના
વિભાગની ટુકડીઓને દોડતી કરવામાં આવી હતી. આ દરમિયાન પાણી નહીં મળવાથી ઉપરોક્ત તમામ
વિભાગ, તંત્રના
અધિકારીઓ અને લોક પ્રતિનિધિઓના ફોન ધણધણતા રહ્યા હતાં. પરંતુ સમારકામ મોટુ હોવાથી
તંત્ર પાસે લાચારી વ્યક્ત કરવા સિવાયનો કોઇ વિકલ્પ રહ્યો ન હતો. પરિણામે નવા
સેક્ટરોના રહેવાસીઓ પણ હાલાકી વેઠવા માટે મજબુર થયા હતાં બીજી બાજુ મુખ્ય માર્ગ પર
પાણીના ધમસમસતા પ્રવાહથી રોડ ડિવાઇડર પણ પાણીમાં ગરકાવ થવાની સ્થિતિ સર્જાવાના
કારણે તેની માઠી અસર ટ્રાફિક પર પણ પડી હતી.
સેક્ટર-૫, ૬ અને ૧૩માં હજુ બે દિવસ ટેન્કરો મગાવવાની નોબત
પાણીની લાઇનમાં ભંગાણ પડતાં હરકતમાં આવેલા તંત્રોએ
સમારકામની મથામણ શરૃ કરી છે. હાલમાં લાઇનને બંધ કરી દેવામાં આવી છે. દાયકાઓ જુની
લાઇનો હવે બજારમાં ઉપલબ્ધ પણ નથી. ત્યારે ૧૦ મીટરનો ટુકડો અમદાવાદથી મંગાવવામાં
આવ્યો છે. તે આવ્યા બાદ પણ કામ થવામાં ૪૮ કલાક વિતવાની શક્યતા છે. ત્યારે સેક્ટર ૫, ૬ અને ૧૩માં બે
દિવસ માટે પાણીનો પ્રશ્ન યથાવત રહેવાની શક્યતા છે. તેથી તંત્રએ ટેન્કરો દોડાવવા
પડશે અથવા લોકોએ મંગાવવા પડે તેવી નોબત વાગી છે. આ સિવાયના નવા સેક્ટરોના
વિસ્તારમાં પાણીનો સપ્લાય જાળવી રાખવા માટે તંત્રના અધિકારીઓ દ્વારા મથામણ શરૃ
કરવામાં આવી છે.
સાડાચાર દાયકા જુની લાઇન હોવાથી આવી સમસ્યા સર્જાતી રહેશે
કોરોના, ચૂંટણીઓ, તહેવારો અને વાઇબ્રન્ટ સમિટ જેવા વૈશ્વિક મેળાવડાઓના કારણે ૨૪ કલાક પાણીની યોજના વિલંબે પડતી રહી હતી. આ મુદ્દે વ્યાપક ટીક્કા થવા સાથે ચર્ચા અને નિષ્ફળતાની વાતો થયા બાદ ઉતાવળે કામ શરૃ કરાયુ હતું. તેના અંતર્ગત નવા સેક્ટરોમાં જુની લાઇનોથી કામ ચલાવી લેવામાં આવ્યુ હતું. સાડા ચાર દાયકા જુની લાઇનો ૨૪ કલાક પાણી આપવા માટે ઉભા કરવામાં આવતા ફોર્સને સહન કરવા સક્ષમ રહી નથી. આજે નહીં તો કાલે આવી સમસ્યા સર્જાશે તેવી આશંકા હોવા છતાં યોજના પુરી કરીને પાણી આપવાનું શરૃ કરી દેવાયુ હતું. આ સ્થિતિમાં આવતા સમયમાં પણ સમસ્યા સર્જાતી રહે તો નવાઇ રહેશે નહીં.


