Gujarat

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ

By GS TEAM
18 Jun 20262 mins read
TukuTouch Logo
વલસાડની સરકારી પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા અને મૂળ ગાંધીનગરના એક મહિલાને UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપીને લંડન સ્થિત એજન્ટે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. વિઝા પ્રોસેસના નામે એજન્ટે કટકે-કટકે કુલ 35 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ વિઝા ન આપીને માત્ર 62 હજાર રૂપિયા જ પરત કર્યા હતા. બાકીના 34.39 લાખ રૂપિયા ચાંઉ કરી જતા ભોગ બનનાર મહિલાએ UK સ્થિત ધવલ ગડાણી નામના એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ

UK Work Visa Scam: વલસાડની સરકારી પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર તરીકે ફરજ બજાવતા અને મૂળ ગાંધીનગરના એક મહિલાને UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપીને લંડન સ્થિત એજન્ટે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો બનાવ સામે આવ્યો છે. વિઝા પ્રોસેસના નામે એજન્ટે કટકે-કટકે કુલ 35 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ વિઝા ન આપીને માત્ર 62 હજાર રૂપિયા જ પરત કર્યા હતા. બાકીના 34.39 લાખ રૂપિયા ચાંઉ કરી જતા ભોગ બનનાર મહિલાએ UK સ્થિત ધવલ ગડાણી નામના એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે.

કેવી રીતે આચરી છેતરપિંડી?

મૂળ ગાંધીનગરના અને હાલ વલસાડ ખાતે સરકારી પોલિટેકનિકમાં લેક્ચરર તરીકે નોકરી કરતા 45 વર્ષીય નીભાબેન અરવિંદભાઈ ઠાકોર સાથે આ છેતરપિંડી થઈ છે. વિદેશ જવાની ઈચ્છા હોવાના કારણે તેઓ અને તેમના મિત્ર રોઝ સચીન વેટ્ટોંન્થા એક એજન્ટના સંપર્કમાં આવ્યા હતા. નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2024માં નીભાબેનને વર્ક વિઝા પર વિદેશ જવું હતું. તેમના મિત્ર રોઝના પરિચિત હેતલબેન અને કરણ શાહ મારફતે તેમનો સંપર્ક UK સ્થિત 'વારાહી ગ્રુપ'ના ધવલ ગડાણી સાથે થયો હતો. ધવલ ગડાણીએ એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું અને તેમાં જણાવ્યું હતું કે UKના વર્ક વિઝા માટે બે વ્યક્તિના કુલ 50 લાખ રૂપિયા થશે. તેણે પ્રોફાઈલ રિવ્યુ કરાવવાના વ્યક્તિદીઠ 2.50 લાખ રૂપિયા થશે તેમ જણાવીને વિઝા પ્રક્રિયા શરૂ કરાવી હતી.

ધવલ ગડાણીએ ડિસેમ્બર 2024માં ઓનલાઈન એગ્રીમેન્ટ મોકલી બંનેની સહીઓ લીધી હતી અને ડોક્યુમેન્ટ્સ મંગાવ્યા હતા. ત્યારબાદ તેના કહેવા મુજબ નીભાબેન અને તેમના મિત્ર રોઝે અલગ-અલગ તારીખોએ લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ફરિયાદીએ બીપીનચંદ્ર અમૃતલાલ સોનીના SBI ખાતામાં 2,50,000 રૂપિયા તથા ધવલ ગડાણીના લંડન સ્થિત રિવોલ્યુટ લિમિટેડ બેંકના ખાતામાં 32,52,125 રૂપિયા સહિત કુલ 35,02,125 રૂપિયા જમા કરાવ્યા હતા. પૈસા ચૂકવી દીધા હોવા છતાં, ધવલે સ્પોન્સર લેટરમાં સ્પેલિંગની ભૂલ છે તેવા બહાના કાઢીને કામ લંબાવ્યું હતું.

જ્યારે પૈસા પરત માગ્યા ત્યારે...

વિઝા અંગે કોઈ જવાબ ન મળતા ફરિયાદીએ પૈસા પરત માંગ્યા હતા. આથી ધવલે સપ્ટેમ્બર 2025માં એકાઉન્ટ ક્લોઝર સેટલમેન્ટ લેટર મોકલી પૈસા પાછા આપવાની ખાતરી આપી હતી. વારંવાર દબાણ કરવાથી ધવલ ગડાણીએ એપ્રિલ 2026માં ફરિયાદીના પિતા અરવિંદભાઈના ખાતામાં ટુકડે-ટુકડે માત્ર 62,528 રૂપિયા જમા કરાવ્યા હતા, પણ બાકીની 34,39,597 રૂપિયાની રકમ આપી ન હતી. આથી આખરે ધવલ ગડાણી સામે છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.