Get The App

જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ માર્કેટિંગ યાર્ડ પાસે 'હિટ એન્ડ રન' ના બનાવમાં બે વ્યક્તિના અંતરિયાળ કરુણ મૃત્યુ

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ માર્કેટિંગ યાર્ડ પાસે 'હિટ એન્ડ રન' ના બનાવમાં બે વ્યક્તિના અંતરિયાળ કરુણ મૃત્યુ 1 - image

Jamnagar Accident : જામનગર-રાજકોટ હાઈવે પર ભયાનક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો, જેમાં ટ્રકની જોરદાર ટક્કર લાગતાં બાઈક પર સવાર બે સાધુઓનાં કરુણ મૃત્યુ નિપજ્યાં છે. આ અંગે સીંધાતભાઈ રમેશભાઈ ડાંગર (ઉ.વ.34, રહે. ઉમાપાર્ક, જામજોધપુર) દ્વારા ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ કરી છે.

ધ્રોળ પોલીસ મથકમાં જાહેર થયેલી ફરિયાદ મુજબ, ગઈકાલે મોડી રાત્રે આશરે અઢી વાગ્યાના આસપાસ ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે આવેલા ચૈતન્ય હનુમાનજી મંદિરમાં સેવા પૂજા કરતા સાધુ બ્રિજેન્દ્રમુની સુખસમુનીજી પોતાનો મોટરસાયકલ નંબર જી.જે.36 કે.2482 લઈને પોતાની સાથે જ સેવાપૂજા કરતા ચંદ્રપાલ ઉર્ફે ચંદનમુની ધર્મસિંહ સાથે ધ્રોળ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા.

દરમિયાન ધ્રોળ માર્કેટિંગ યાર્ડ નજીક જી.જે.12 સી.ટી.1254 નંબરના ટ્રકના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેફીકરાઈથી હંકારતા બાઈકને જોરદાર ઠોકર મારી હતી. આ અકસ્માતમાં બંને સાધુઓને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક ધ્રોલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચંદ્રપાલ ઉર્ફે ચંદનમુનીને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે બ્રિજેન્દ્રમુનીને વધુ સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં તેમનું પણ મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ બનાવ અંગે ધ્રોળ પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે ભારતીય દંડ સંહિતાની કલમ 279 (બેફીકરાઈથી વાહન હંકારવું), 304(અ) (બેદરકારીથી મોત નિપજાવવું), 337 અને 338 (ઇજા અને ગંભીર ઇજા પહોંચાડવી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 134(અ)(બ) હેઠળ ગુનો નોંધી લેવામાં આવ્યો છે.  પોલીસે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કરી પુરાવા એકત્રિત કર્યા છે, અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરી છે તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.