Gujarat

ગિરવે મૂકેલો મોબાઈલ પરત માંગતા યુવાનને 2 ઈસમે આપ્યું મોત

By GS TEAM
22 Feb 20262 mins read
ગિરવે મૂકેલો મોબાઈલ પરત માંગતા યુવાનને 2 ઈસમે આપ્યું મોત

- મોટાભાઈએ ફોન ગિરવે મૂક્યો હતો અને પૈસા પણ ચૂકવી ગયા હતા

- ફોન પરત આપવાના મામલે માથાકૂટ થઈ હતી, મૃતકના મોટાભાઈ બે શખ્સ સામે ફરિયાદ નોંધાવી

ભાવનગર : શહેરના વડવા વિસ્તારમાં આવેલા સીદીવાડ ખાતે રહેતા યુવાને મોબાઈલ ગીરવે મૂકી રૂપિયા લીધા હતા ત્યારબાદ રૂપિયા પરત આપી દીધા હતા અને યુવાન અને તેનો નાનો ભાઈ મોબાઈલ પરત માગતા હતા તેની દાજ રાખી બે ઈસમોએ નાના ભાઈ સાથે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી મોત નિપજાવી દીધું હતું.

શહેરના વડવા સીદીવાડ મેમણ જમાત ખાના પાછળ રહેતા મોહસીનભાઇ સલીમભાઈ પઠાણે આજથી આશરે બે મહીના પહેલા વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન નઇમભાઈ સમા મારફતે સોયેબ જાહીદભાઇ રફાઈ (રહે.પ્રભુદાસ તળાવ, ભાવનગર) પાસે રૂ.૫૦૦૦માં ગીરવે મૂક્યો હતો. ત્યારબાદ મોહસીનભાઇએ રૂ.૫૦૦૦ સોયેબને પરત આપી દીધા હતા અને મોહસીનભાઇ સોયેબ પાસે મોબાઇલ અવાર-નવાર પરત માંગતા હોવા છતાં સોયેબ મોબાઇલ પરત આપતો ન હતો. જેથી મોઇનભાઈએ તેના ભાઇ હુસેનભાઈ પઠાણને વાત કરતા હુસેનભાઈએ સોયેબ પાસે મોબાઇલની માંગણી કરતા હતા. જેના મનદુઃખ રાખી સોયેબ જાહીદભાઇ રફાઇ, સાહીલ ઉર્ફે ટકો નાળબંધએ દરબારી કોઠાર પાસે છરી સાથે ધસી આવી હુસેનભાઇ સાથે ઝઘડો કરી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ગંભીર હાલતે ઘવાયેલા હુસેનભાઇને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ મોહસીનભાઇએ બે શખ્સ વિરૂધ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકે મોટાભાઈને માર મારતા હોવાનો ફોન કર્યો હતો

મૃતક યુવાન હુસેનભાઈએ મોટાભાઈ મોહસિનભાઈને મોબાઇલ પર પોણા છએક વાગ્યાના સમયે ફોન કરી કહેલ તુ તાત્કાલીક દરબારી કોઠાર પાસે આવ હાલમાં મારી સાથે સોયેબ અને ટકો બન્ને જણા ઝઘડો કરે છે. આમ મૃતક હુસેનભાઇએ મોટાભાઈને કરેલો છેલ્લો ફોન બની ગયો હતો અને મોટાભાઈ દોડીને પહોંચ્યા હતા અને નાનાભાઈને હોસ્પિટલે ખસેડયા હતા.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.