Gujarat

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા

By GS TEAM
14 Jun 20261 min read
TukuTouch Logo
સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીની ટીમે ચોટીલા હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સોને જામનગર જિલ્લામાંથી ચોરાયેલા બે મોટરસાયકલ સાથે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. પોલીસે બંને આરોપીઓને ચોટીલા પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના ગ્રામ્ય પંથકમાંથી ચોરાયેલા બે બાઈક સાથે ચોટીલા હાઈવે પરથી બે શખ્સો ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીની ટીમે ચોટીલા હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સોને જામનગર જિલ્લામાંથી ચોરાયેલા બે મોટરસાયકલ સાથે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. પોલીસે બંને આરોપીઓને ચોટીલા પોલીસના હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર એલસીબીના પોલીસ કર્મચારીઓ ચોટીલા હાઈવે પર પેટ્રોલિંગમાં હતા ત્યારે ચાણપા ગામના પાટીયા નજીક બે શખ્સો શંકાસ્પદ હાલતમાં બે મોટરસાયકલ સાથે પસાર થતા જોવા મળ્યા હતા. પોલીસે તેમને અટકાવી વાહનોના આધાર-પુરાવા માંગતા તેઓ કોઈ સંતોષકારક દસ્તાવેજ રજૂ કરી શક્યા ન હતા.

આથી બંનેની કડક પૂછપરછ કરતાં તેમણે મોટરસાયકલો જામનગર જિલ્લાના બેડી મરીન પોલીસ મથક વિસ્તાર તેમજ મેઘપર-પડાણા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે ચોટીલાના મોટી મોલડી ગામે રહેતા વિજય રઘાભાઈ સિંધવ તથા મૂળ મોરબી જિલ્લાના કુવા ગામના અને હાલ ચોટીલામાં રહેતા સમુંદર ઉર્ફે સમંદર રાજુભાઈ ચૌહાણને ઝડપી લીધા હતા. તેમની પાસેથી અંદાજે રૂ. 60 હજાર કિંમતના બે ચોરાઉ મોટરસાયકલ કબજે કરવામાં આવ્યા છે.

આરોપીઓની ધરપકડ અંગેની જાણ જામનગર જિલ્લાના સંબંધિત પોલીસ મથકોને કરવામાં આવી છે. ચોટીલા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.