Gujarat

ચેક બાઉન્સ કેસમાં બે શખ્સને એક-એક વર્ષ સાદી કેદની સજા

By GS TEAM
14 Dec 20252 mins read
ચેક બાઉન્સ કેસમાં બે શખ્સને એક-એક વર્ષ સાદી કેદની સજા

- જુદી-જુદી ફરિયાદમાં સ્પે. નેગો. કોર્ટનો ચુકાદો

- અમરેલીના શખ્સને એક માસ જેલવાસ ભોગવવા હુકમ

ભાવનગર : ભાવનગરની સ્પે. નેગો. કોર્ટે ચેક બાઉન્સના અલગ-અલગ ત્રણ કેસમાં આરોપીઓને સજાનો હુકમ કર્યો છે.

શહેરના વડવા કાછીયાવાડ, હાજીયાણી ફ્લેટ, ૧૦માં રહેતા સેનીલાબેન આરીફભાઈ પતાણીએ મહમદઆરીફ અબ્દુલકરીમ પતાણી (રહે, હરિયાણી પ્લોટ, ૯૨/સી, શિશુવિહાર સર્કલ, માણેકવાડી, રેલવે સ્ટેશન) નામના શખ્સ સાથે અમરેલીમાં લગ્ન કર્યા ત્યારે મહેરની રકમ પેટે પાંચ લાખનો ચેક આપ્યો હતો. ત્યારબાદ તેણીને કાઢી મુકી તલ્લાકની પેરવી કરતા મહિલાએ ગત તા.૨-૧૧-૨૦૨૦ના રોજ તેઓની બેન્કમાં ચેક જમા કરાવતા ખાતું બંધ હોવાના કારણે પરત ફર્યો હતો. જે અંગે સેનીલાબેનએ પોતાના વકીલ મારફત ભાવનગરના બીજા એડી. ચીફ જ્યુડી. મેજિ. (સ્પે. નેગો. કોર્ટ-ભાવનગર)ની કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષ સાદી કેદની સજા અને પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.

બીજા કેસમાં શહેરના નવાપરા, રસાલા કેમ્પ, જુલેલાલ મંદિર પાસે રહેતો રાહુલ સેવાભાઈ અબલાણી નામના શખ્સે તેના મિત્ર રાજેશકુમાર બિપીનચંદ્ર રાજ્યગુરૂ (રહે, પ્લોટ નં.૧૧, શ્રીરામ નિવાસ, દેસાઈનગર, રેલવે મેડીકલ કોલોનીની બાજુમાં) પાસેથી કારમાં એસેસરીઝ અને અંગત જરૂરિયાત માટે હાથઉછીના સાડા ત્રણ લાખ રૂપિયા બાદ ગત તા.૧૦-૧૧-૨૦૨૨નો ચેક આપ્યો હતો. જે ચેક પરત ફરતા રાજેશકુમાર રાજ્યગુરૂએ તેમના વકીલ મારફત કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસમાં સ્પે. નેગો કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષ સાદી કેદની સજા અને સાડા ત્રણ લાખનો દંડ ફટકાર્યો છે.

ત્રીજા કેસમાં અમરેલીના ચિત્તલ, લાતીબજાર, જશવંતગઢ પરા ખાતે રહેતો બરકતઅલી જાફરઅલી મોટાણી નામના શખ્સને પણ કોર્ટે માસ ફાઈનાન્સ સર્વિસીઝ લિ. પાસેથી માઈક્રો લોન લીધા બાદ આપેલો ચેક પરત ફર્યાના કેસમાં એક માસ સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો.