દમણથી વડોદરા કારમાં દારૂ લઈ જતા બે વિદેશી નાગરિકો ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Valsad News : વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે એક મોટી સફળતા મેળવવામાં આવી છે. પારડીના ઓરવાડ હાઇવે પર દમણથી વડોદરા તરફ કારમાં ગેરકાયદેસર રીતે લઈ જવાતા રૂ.1.79 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે બે વિદેશી યુવતિ સહિત બેને ઝડપી પાડવામાં આવ્યા છે. બન્ને આરોપી વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
લોકલ ક્રાઇમ બ્રાંચના પો.કો.ને મળેલી બાતમીના આધારે પારડીના ઓરવાડ હાઈવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન સુરત તરફ જતી હુન્ડાઈ કંપનીની અલ્કાઝર કાર (નં.જીજે-05-જેડબ્લ્યુ-1197) ને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 802 નંગ બાટલીઓ મળી આવી હતી. બાદમાં પોલીસે રૂ.1.79 લાખનો દારૂ, કાર અને બે મોબાઇલ કુલ રૂ.17,19,320નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસે બે આરોપી વિકટર ઉર્ફે તફારા લોવમોર મયામ્બો (મૂળ રહે. ગામ-રૂનીયારારો, સીટી મબેરેંગ્વા, ઝિંબામ્બે) અને સીઝાબુલીસીલે એંઝલ ઉર્ફે માઇલેસ રોય ડલામીની (મૂળ રહે. કાનક્ષેસી, કિંગડોમ ઓફ ઇસ્વાતીની )ની ધરપકડ કરી હતી. પુછપરછ દરમિયાન બન્ને આરોપી વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. દારૂનો જથ્થો દમણથી વડોદરા લઇ જવાતો હતો. પારડી પોલીસે પ્રોહિબીશનનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
દમણમાં ત્રણ દિવસ રોકાય દારૂ એકત્રિત કર્યો હતો
દમણથી કારમાં વડોદરા દારૂ લઇ જતા બે વિદેશી નાગરિક પકડાયા હતા. બન્નેની પુછપરછમાં વડોદરાથી કારમાં દમણ આવ્યા બાદ હોટલમાં રોકાયા હતા. ત્રણ દિવસ દમણમાં રોકાયા બાદ જુદા જુદા વાઈનશોપમાંથી દારૂ એકત્રિત કર્યો હતો. ત્રણ દિવસમાં દારૂનો જથ્થો એકત્રિત કરી કારમાં ભરી વડોદરા જવા નિકળ્ય હતા. વડોદરામાં પાર્ટી કરવા જથ્થો લઇ જતા હોવાની કેફિયત રજૂ કરી હતી.









