ગાંધીનગરના ઇન્દ્રોડા ગામના ક્રોસ રોડ પાસે
સાંજના સમયે સર્જાયેલા અકસ્માતના બનાવમાં એક પછી એક બંને યુવાનના મૃત્યુ થવાથી બે પરિવાર શોકમાં ડુબ્યાં
ગાંધીનગર ઃ પાટનગરના શહેરી વિસ્તાર ઇન્દ્રોડા ગામ નજીક મુખ્ય માર્ગ પરના કટ પાસે બુલેટ મોટરસાઇકલના ચાલકે ટક્કર મારતાં સર્જાયેલા અકસ્માતન બનાવમાં બે પિતરાઇ ભાઇના મૃત્યુ થયા હતાં. સાંજ વેળાના બનાવમાં ગંભીર ઇજા થવાથી યુવાનોને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સિવલ હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે એકને ફરજ પરના તબીબે નિષ્પ્રાણ જાહેર કર્યા બાદ બીજાનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું.
અકસ્માતના આ બનાવમાં પાટનગરમાં સેક્ટર ૮માં રહેતા જગદિશસિંહ
જશપાલસિંહ ડાભી અને માણસા તાલુકાના સમૌ ગામના રહેવાસી ઘનશ્યામસિંહ કનુજી ચાવડાના
કૂરણ મૃત્યુ નિપજ્યા હતાં. આ બનાવ સંબંધમાં મૃતક જગદિશસિંહના નિવૃત પિતા જશપાલસિંહ
ખેતસિંહ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતાં સેક્ટર ૭ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવાની
સાથે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે
બન્ને યુવાનો કામથી ઇન્દ્રોડા ગામ ગયા હતાં અને સાંજના સમયે પરત ફરી રહ્યા હતાં.
ત્યારે ઘનશ્યામસિંહ બાઇક ચલાવતા હતાં. તેઓ ઇન્દ્રોડા ગામના કટ પાસેથી રસ્તો ઓળંગી
રહ્યા હતાં. તે દરમિયાન બુલેટ મોટરસાઇકલના ચાલકે તેના બાઇકને ટક્કર મારતાં બન્ને
રોડ પર ફંગોળાઇ ગયા હતાં અને માથામાં ઇજા પહોંચી હતી. સ્થળ પર એકઠા થઇ ગયેલા લોકોએ
જાણ કરતાં૧૦૮ એમ્બ્યુલન્સ મારફત બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં
આવ્યા ત્યારે ફરજ પરના તબીબે ઘનશ્યામસિંહને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતાં.
જ્યારે જગદિશસિંહને આઇસીયુમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ ટુંકી સારવારના અંતે
રાત્રી વેળાએ તેમનું પણ મૃત્યુ થવાથી બન્નેના પરિવાર પર રીતસરનું આભ તૂટી પડયુ
હતું. ફરિયાદમાં વધુમાં જણાવ્યા પ્રમાણે જશપાલસિંહના બે દિકરા પૈકી મૃતક જગદિશસિંહ
મોટા હતાં અને તેઓ એક દિકરાના પિતા હતાં.


