Gujarat

અમદાવાદમાં બે વર્ષમાં બે બ્રિજનો વિવાદ, મ્યુનિ.ના એડીશનલ સીટી ઈજનેરની સ્વૈચ્છિક નિવૃત્તિ ચર્ચામાં

By GS TEAM
26 Dec 20252 mins read
અમદાવાદમાં  બે વર્ષમાં બે બ્રિજનો વિવાદ, મ્યુનિ.ના એડીશનલ સીટી ઈજનેરની સ્વૈચ્છિક નિવૃત્તિ ચર્ચામાં

અમદાવાદ,શુક્રવાર,26 ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિ.ના બ્રિજ પ્રોજેકટ વિભાગના અધિકારીઓને બ્રિજ ફળ્યા નથી.બે વર્ષમાં શહેરમાં બે બ્રિજ વિવાદમાં આવ્યા. હાટકેશ્વરબ્રિજ તોડી પાડવાના મામલે તત્કાલીન ઈન્ચાર્જ સીટી ઈજનેર હીતેષ કોન્ટ્રાકટર સામે ખાતાકીય તપાસના અંતે તેમનુ રાજીનામુ લઈ લેવાયુ હતુ.શુક્રવારે મળેલી કોર્પોરેશનની સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં વર્તમાન એડીશનલ સીટી ઈજનેર અને ઈન્ચાર્જ સીટી ઈજનેર હરપાલસિંહ ઝાલાની સ્વૈચ્છીક નિવૃત્તની દરખાસ્ત તાકીદના કામ તરીકે મંજુર કરી દેવાતા આ નિર્ણય મ્યુનિ.વર્તુળોમાં ચર્ચાનુ કેન્દ્ર બનવા પામ્યો હતો.કમિટીના અધ્યક્ષ એવા મેયર પણ તેમની સ્વૈચ્છિક નિવૃત્તિ મંજુર કરવાનુ કારણ આપી શકયા નહોતા.

બે વર્ષથી અમદાવાદના વિવિધ બ્રિજ અને અંડરપાસ એક અથવા બીજા કારણસર વિવાદમાં આવ્યા છે.હાટકેશ્વર બ્રિજ તોડી પાડવાનો નિર્ણય વર્ષ-૨૦૨૩-૨૪માં લેવો પડયો હતો.આ સમયે બે આસી સ્ટન્ટ ઈજનેર ઉપરાંત એક આસીસ્ટન્ટ સીટી ઈજનેર ઉપરાંત એક ડેપ્યુટી સીટી ઈજનેર તેમજ નિવૃત્ત એડીશનલ સીટી ઈજનેર, નિવૃત્ત ડેપ્યુટી સીટી ઈજનેર તેમજ તત્કાલીન ઈન્ચાર્જ સીટી ઈજનેર સામે ખાતાકીય તપાસ કરવાના તથા ફરજ મોકુફી ઉપર  ઉતારવાનો નિર્ણય તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવામા આવ્યો હતો.હવે ૫૨ વર્ષ જુના સુભાષબ્રિજના ડેક સ્લેબમાં તિરાડ પડવાની ઘટનાને ધ્યાનમા લઈ બ્રિજના સુપર સ્ટ્રકચરને તોડી નવુ સુપર સ્ટ્રકચર બનાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે.જોગાનુજોગ જે દિવસે સુભાષબ્રિજને લઈ નિર્ણય કરવામા આવે છે તેના એક કલાક પછી મળેલી સ્ટાફ સિલેકશન કમિટીની બેઠકમાં હાલના એડીશનલ સીટી ઈજનેરના સ્વૈચ્છીક રાજીનામાની દરખાસ્ત મંજુર કરી દેવાય છે. મેયરે માત્ર એટલુ કહયુ,એડીશનલ સીટી ઈજનેર ૧૫ ફેબુ્આરી-૨૬ સુધી ફરજ બજાવશે.

વિવિધ વિભાગમાં અધિકારીઓને બઢતી અપાઈ

કોર્પોરેશનના હોસ્પિટલ વિભાગમાં હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટ તરીકે અખિલેશ બ્રહ્મભટ્ટ, મિતેશ શાહ, ડેપ્યુટી એચઓડી તરીકે ધર્મિન વ્યાસ તથા મૌખિક ઈન્ટરવ્યૂના આધારે એચઓડી તરીકે ચિરાગ પંચાલ,જવાલીન હાલાણી,ડેપ્યુટી એચઓડી તરીકે પિયુષ ઠાકર,પરેશ પાંડવ અને રીલેશ ડોરીયાને બઢતી આપવાનો નિર્ણય સ્ટાફ સિલેકશન કમિટીમા લેવાયો હતો.