Get The App

રૂા.600 કરોડની જમીનના સોદામાં કમિશનના નામે અઢી કરોડની ઠગાઈ

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
રૂા.600 કરોડની જમીનના સોદામાં કમિશનના નામે અઢી કરોડની ઠગાઈ 1 - image

રાજકોટ મનપાના એન્જિનિયર ભોગ બન્યા

હનુમાનમઢી પાસેની નિરંજની સોસાયટીમાં  રહેતા દંપતી વિરૂધ્ધ ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ, 

રાજકોટ: યુનિવર્સિટી રોડ પરની શારદાનગર સોસાયટી શેરી નં.૧માં રહેતા અને રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતાં કરણરાજસિંહ ઝાલા (ઉ.વ.૩પ)ને અવધના ઢાળિયા અને હિરાસરમાં આવેલી અંદાજે ૬૦૦ કરોડની જમીનના સોદામાં કમિશનની લાલચ આપી તેના પરિચિત આશિષ બાવાલાલ દેથરીયા અને તેની પત્ની દિપાબેન (રહે. બંને નિરંજની સોસાયટી, હનુમાનમઢી પાસે)એ રૂા.ર.પ૦ કરોડ ખંખેરી લીધાની ગાંધીગ્રામ-ર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે વિશ્વાસઘાત-છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

ફરિયાદમાં કરણરાજસિંહે જણાવ્યું છે કે ર૦ર૩માં તેના પત્ની કૃપાબા આત્મિય સ્કુલમાં નોકરી કરતા ત્યારે ત્યાંજ નોકરી કરતા દિપાબેન સાથે મિત્રતા થઈ હતી. એટલું જ નહીં બંને પરિવાર વચ્ચે એકબીજાના ઘરે આવવા-જવાના સંબંધ પણ બંધાયા હતા. ર૦ર૪ની સાલમાં આશિષ અને તેની પત્નીએ ઘરે આવી રૂા.ર૦ હજાર ઉછીના માગ્યા હતા. જે બે-ત્રણ દિવસમાં પરત આપી વિશ્વાસ સંપાદન કરી લીધો હતો. 

ત્યાર પછી રૂા.૬પ હજાર કટકે-કટકે લીધા હતા. જેના બદલામાં આપેલો ચેક બાઉન્સ થયો હતો. આ પછી બંને તેના ઘરે આવ્યા હતા અને આશિષે કહ્યું કે તે એકઝિબિશન અને જમીન મકાનની દલાલીનું કામ કરે છે. તેના મિત્ર મુકેશ રાદડિયા પાસે કાલાવડ રોડ પરના અવધના ઢાળિયા પાસેની અંદાજે ૧૧૦ કરોડની જમીનનું કામ આવ્યું છે. આ જમીન કિશોર કોટેચાના નામની છે. જમીન વાંધાવાળી છે. હાલમાં તેને કિશોર કોટેચાનો નંબર મળતો નથી. મુંબઈ રહેતી દફતરી નામની પાર્ટીને જમીન લેવી છે. 

ફરિયાદમાં આગળ કરણરાજસિંહે જણાવ્યું છે કે તેણે ગુગલમાં સર્ચ કરી કિશોર કોટેચાની ઓફિસનો નંબર શોધી આશિષને આપ્યો હતો. આ પછી તેને તે અવધના ઢાળિયા પાસેની જમીન બતાવવા લઈ ગયો હતો. બાદમાં આશિષ અને તેની પત્ની ફરીથી તેના ઘરે આવ્યા હતા. બંનેએ કહ્યું કે આપણે આ નોકરી કરીને પૈસાવાળા નહીં થઈએ, જમીનનો સોદો કરવામાં કાંઈ ખોટું નથી. આ પછી જમીનની દલાલીમાં દલાલ મુકેશભાઈને આપવાની થતી પ૦ ટકા રકમ તેને આપવાની લાલચ આપી હતી. 

સાથો-સાથ બંને મળી રોકાણ કરશે તેમ પણ કહ્યું હતું. જે પૈસા આવે તેમાં બંને દંપતીની પ૦-પ૦ ટકા ભાગીદારી રહેશે તેમ કહેતાં  કટકે-કટકે રૂા.ર.૪૯ કરોડ  આપ્યા હતા.  પરંતુ આજ સુધી તેની રકમ કે દલાલીની રકમ નહીં આપતાં અને જૂદા-જૂદા બહાના બતાવતાં હોવાથી આખરે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી કરણરાજસિંહે વધુમાં આશિષે તેને હિરાસર પાસે આવેલી  રૂા.પ૦૦ કરોડથી વધુની જમીનની દલાલીમાં પણ ભાગ આપવાની અને ત્યાં ભાગીદારીમાં હોટલ બનાવવાની લાલચ આપ્યાનું જણાવ્યું હતું. 

- જમીનના કથિત માલિક અને જમીન લેનાર પાર્ટીના નામે આશિષ જ વાત કરતો હતો

ફરિયાદી કરણરાજસિંહે પોલીસને જણાવ્યું કે આશિષ અને તેના પત્નીએ તેની પાસેથી એક સીમ કાર્ડ પણ મંગાવ્યું હતું. જેથી તેણે પોતાના નામે સીમ કાર્ડ કઢાવી તેમને આપી દીધું હતું. પાછળથી તેને ખબર પડી હતી કે દેવાંગ અને કિશોરભાઈ કોટેચાના નામે આશિષ જ તેની સાથે જમીનના સોદા બાબતે વાત કરતો હતો. એટલું જ નહીં મુંબઈની દફતરી નામની જે પાર્ટીને જમીન લેવાની છે તેમ કહ્યું હતું તેનો મોબાઈલ નંબર આશિષના મિત્ર ડેરલ થાર્ડલીના નામે રજિસ્ટર થયેલો છે. જે નંબર ઉપરથી પણ આશિષ જ દફતરી નામની પાર્ટી બની તેની સાથે વાત કરતો રહ્યો હતો.  આશિષે કોઈ સોફટવેરનો ઉપયોગ કરી અવાજ બદલાવ્યો હતો કે કેમ તે હવે પોલીસ તપાસનો વિષય બન્યું છે. 

- બચતના, દાગીના ગીરવે મુકી, બેન્કમાંથી લોનો લઈ પૈસા આપતા રહ્યા હતા

ફરિયાદી કરણરાજસિંહે પોલીસને જણાવ્યું કે તેણે આશિષને પોતાની બચતના  પૈસા આપી દીધા હતા. ક્રેડિટ કાર્ડમાંથી પણ પૈસા ઉપાડી આપ્યા હતા. સોનાના ઘરેણા ગીરવી મુકી, પોતાના અને પરિવારના સભ્યોના નામે લોન લઈ તેને પૈસા આપતા રહ્યા હતા. તેણે આશિષના કહ્યા મુજબ મુંબઈના ડેરલ યાર્ડલી, હસબીન અંસારી અને જયપ્રકાશ તિવારી ઉપરાંત  રામચંદ્રાણી દિપક, બલદેવ અભિષેક નરેન્દ્રભાઈ વગેરેના ખાતામાં અને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા. જયારે હાર્દિક ઝાલાવડીયા ક્રેડિટ કાર્ડમાંથી સ્વાઈપ કરવાનું કામ કરતો હોવાનું પણ જણાવાયું છે. એક વખત આશિષ પાસે પોતાના પૈસાની ઉઘરાણી કરતાં બેન્કમાં ચેક જમા કરાવ્યા બાદ અપાતી રૂા.૧.૪૦ કરોડની ખોટી સ્લિપ મોકલી હતી. જેમાં બેન્કના સિક્કા પણ મારેલા હતા.