Get The App

અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
અકસ્માતમાં મહિલાના મોત મામલે ટ્રક ચાલકને એક વર્ષ કેદની સજા 1 - image

દહેગામ નરોડા હાઇવે ઉપર રાયપુર પાસે

બે વર્ષ અગાઉ બનેલી ઘટનામાં વળતર પેટે ૨૫ હજાર રૃપિયા ચૂકવવા પણ ગાંધીનગર કોર્ટનો ચુકાદો

ગાંધીનગર :  ગાંધીનગર નજીક દહેગામ નરોડા હાઇવે ઉપર રાયપુર પાસે મોપેડ સવાર મહિલાનું ટ્રકની અડફેટે મોત નીપજ્યું હતું. જે અંગે ગાંધીનગર બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટ દ્વારા આરોપી ટ્રક ચાલકને એક વર્ષની કેદની સજા અને ૨૫ હજાર રૃપિયા વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની મળતી વિગતો પ્રમાણે ગત ૨૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સવારે મહેશકુમાર સુતરીયા તેમની પત્ની ભાવનાબેન અને પુત્ર સાથે સ્કૂટી પર સવાર થઈને જઈ રહ્યા હતા. જ્યારે તેઓ રાયપુર ગામના પાટીયા નજીક ખારી નદીના બ્રિજ પર પહોંચ્યા, ત્યારે પાછળથી પૂરઝડપે આવતી આઇસર ગાડીના ચાલકે તેમની સ્કૂટીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ભાવનાબેન આઇસર ગાડીના ટાયર નીચે આવી ગયા હતા અને તેમને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.  ટૂંકી સારવાર બાદ ૬ નવેમ્બરના રોજ તેમનું કરુણ અવસાન થયું હતું. આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપી ટ્રક ચાલક રણછોડભાઇ ભરવાડ સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસની સુનાવણી બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સી. કે. પીપલિયાની અદાલતમાં હાથ ધરવામાં આવી હતી. સરકાર પક્ષે એ.પી.પી. એ. વી. જોષીએ ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે, માર્ગો પર બેદરકારીથી વાહન ચલાવી નિર્દોષ લોકોના જાન જોખમમાં મૂકતા કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. આરોપીને કડક સજા થાય તો જ આવા ગુનાઓ પર લગામ લગાવી શકાય. અદાલતે તમામ પુરાવાઓ અને સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય રાખતા નોંધ્યું હતું કે, બ્રિજ જેવા સાંકડા માર્ગ પર વાહન ચલાવતી વખતે આરોપીએ પૂરતી સાવચેતી રાખી ન હતી. જેથી આરોપી ટ્રક ચાલકને એક વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે ૨૫ હજાર રૃપિયા ચૂકવવાનો હુકમ કર્યો હતો.