દિહોરની ઉતાવળી નદી ઉપરના શોભાના ગાંઠિયા જેવા પુલથી હાલાકી

- ચોમાસામાં છાસવારે વાહન વ્યવહાર ઠપ્પ
- હમીરપરા ડેમમાંથી પાણી છોડાતા પુલની બાજુનો નીચો રોડ પાણીમાં ગરકારવ થઈ જાય છે
ઘણા સમય પહેલા દિહોરની ઉતાવળી નદી ઉપર મોટો પુલ બનાવવામાં આવ્યો હોય દિહોર, ભદ્રાવળ, ટીમાણા અને પીંગળી વગેરે ગામોના લોકોને રાજપરા થઈને ભાવનગર જવા માટે ખૂબ અનુકૂળતા રહે છે. પરંતુ આ પુલ ઉપર પૂર્વ દિશાના છેડે રાજપરા જવાના રોડ ઉપર નીચાણવાળો રોડ હોવાથી આ રોડ ઉતાવળી નદીના વરસાદી પાણીમાં ડૂબી જાય છે. વળી ચોમાસામાં ઉપરવાસ વરસાદ હોય ત્યારે ઉતાવળી નદી ઉપરનો હમીરપરા ડેમ છલકાઇ જવાથી અવારનવાર ડેમમાંથી પાણી છોડવામાં આવે છે. આવા સમયે પુલની બાજુમાં આવેલો નીચો રોડ પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેના લીધે રાજપરાથી દિહોર તરફ આવતો વાહન વ્યવહાર લાંબો સમય સુધી તદ્રન ઠપ્પ થઈ જાય છે. એ જ રીતે દિહોર પંથકના ગામો તરફથી રાજપરા-ભાવનગર તરફ જતા વાહનો માટે રસ્તો બંધ થઈ જાય છે. જે તે સમયે પુલ બનાવ્યો ત્યારે પુલના લેવલ જેટલો જ ઉંચો રોડ બનાવવાની તાતી આવશ્યકતા હતી જે બનાવ્યો નહીં જેના લીધે પુલના પૂર્વ છેડે નીચાણવાળો રોડ પાણીથી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પાણી ઓછું થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે.








