Gujarat

માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત - 2 ગાડી, પીકઅપ અથડાયું

By GS TEAM
21 Dec 20252 mins read
માંડલ-વિરમગામ હાઈવે પર ટ્રીપલ અકસ્માત - 2 ગાડી, પીકઅપ અથડાયું

સ્થાનિકોની મદદ અને ૧૦૮ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

માંડલ દર્શનાર્થે જતો રાજકોટનો પરિવાર અને અમદાવાદના જૈન દંપતી અકસ્માતનો ભોગ બન્યા

બંને કારમાં એરબેગ્સ ખુલી જતાં તમામ લોકોનો આબાદ બચાવ

માંડલમાંડલ નજીક વિરમગામ રોડ પર શનિવારે સવારે આશરે ૧૧ઃ૪૦ વાગ્યે માલણપુર ગામના બોર્ડ પાસે એક ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. રાજકોટના મહુડી વિસ્તારથી માંડલ ખંભલાય માતાજીના દર્શનાર્થે આવી રહેલો પરિવાર રેનોલ્ટ લોઝી કારમાં સવાર હતો, જ્યારે અન્ય એક સ્કોડા કારમાં જૈન યુગલ દંપતી તીર્થધામથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું.

આ દરમિયાન સેન્ટિંગનો સામાન ભરીને પસાર થતું પીકઅપ ડાલું અગમ્ય કારણોસર રોડ પર પલટી મારી ગયું હતું, જેના કારણે સામેથી આવતી બંને કાર તેની સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે બંને કારમાં એરબેગ્સ સમયસર ખુલી જતાં મોટી જાનહાનિ ટળી હતી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માત થતાં જ આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને રાહદારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં માંડલની બંને ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ સ્થળ પર પહોંચી હતી. રાજકોટના પરિવારના ૪ સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને વિરમગામની ગાંધી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જૈન દંપતીને પ્રાથમિક સારવાર માંડલની ખાનગી હોસ્પિટલમાં આપી વધુ સારવાર અર્થે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. પીકઅપ ડાલાના ચાલક અને મજૂરોને પણ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટના પાટડી પોલીસ મથકની હદમાં બની હોવાથી પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.