Get The App

VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં 'મકાઈની ઘાટ અને કઢી', આધુનિકતાના જમાનામાં આદિવાસીઓએ જાળવી પરંપરા

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
Tribal Traditional Marriage

Chhota Udepur News: આજના સમયમાં જ્યારે લગ્નોમાં લાખો રૂપિયાનો ખર્ચ અને ભવ્ય કેટરિંગ સામાન્ય બની ગયું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચૂલી ગામે આદિવાસી સંસ્કૃતિ અને માનવતાની એક અદભૂત મિસાલ જોવા મળી છે. ઈકો યુનિટી ટ્રાઈબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવમાં 6 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

અનાથ અને જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદ

આ સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે તેમાં જોડાનારા વર-કન્યાઓમાંથી કોઈના પિતા નથી, તો કોઈના માતા-પિતા બંને છત્રછાયા ગુમાવી ચૂક્યા છે. આર્થિક રીતે અત્યંત નબળા અને અનાથ બાળકો માટે આ ટ્રસ્ટ આશીર્વાદ સમાન સાબિત થયું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં આ તમામ નવદંપતીઓએ આશીર્વાદ મેળવી નવું સંસાર જીવન શરૂ કર્યું હતું.

માત્ર ₹1માં ચમચીથી લઈને સોફા-તિજોરી સુધીની ભેટ

ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્ન માટે વર-કન્યા પક્ષ પાસેથી માત્ર એક રૂપિયાનું ટોકન લેવામાં આવ્યું હતું. આ સામાન્ય રકમ સામે ટ્રસ્ટ દ્વારા દંપતીને ઘર ચલાવવા માટેની તમામ જીવનજરૂરિયાતની વસ્તુઓ જેમ કે બેડ, સોફા, તિજોરી અને ચમચીથી લઈને ઘરવખરીનો તમામ સામાન ભેટ સ્વરૂપે અપાયો હતો.

VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં 'મકાઈની ઘાટ અને કઢી', આધુનિકતાના જમાનામાં આદિવાસીઓએ જાળવી પરંપરા 2 - image

મેનુમાં હિટ રહી 'આદિવાસી પરંપરા': મકાઈની ઘાટ અને કઢી

આ મહોત્સવનું સૌથી આકર્ષક પાસું તેનો જમણવાર હતો. આધુનિક વાનગીઓને બાજુ પર મૂકીને, આદિવાસી સમાજની સદીઓ જૂની પરંપરાને જીવંત રાખતા 'મકાઈની ઘાટ અને કઢી' નું મેનુ રાખવામાં આવ્યું હતું. મકાઈની ઘાટ અને કઢી એ આદિવાસી સંસ્કૃતિનું સૌથી પૌષ્ટિક અને પરંપરાગત ભોજન મનાય છે. વર્ષો પહેલા લગ્ન પ્રસંગોમાં આ જ ભોજન પીરસવામાં આવતું હતું, જેને આજે ફરી ચૂલી ગામે જીવંત કરવામાં આવ્યું હતું.

આજના પિઝા-પાસ્તા અને પંજાબી વાનગીઓના આકર્ષણ વચ્ચે, આ સમૂહ લગ્નમાં મહેમાનોને પીરસાઈ આદિવાસી સંસ્કૃતિની શાન સમાન 'મકાઈની ઘાટ અને કઢી'. મકાઈના કરકરા દાણાને પાણીમાં બાફીને તૈયાર થતી પૌષ્ટિક ઘાટ અને લસણના વઘારવાળી તીખી કઢીની સોડમ આખા મંડપમાં પ્રસરી હતી. આ ભોજન માત્ર પેટ ભરવા માટે નહીં, પણ નવી પેઢીને પૂર્વજોના વારસાનો સ્વાદ ચખાડવા માટે રખાયું હતું. 

કેવી રીતે બને મકાઈની ઘાટ?

ઘાટ એ મકાઈમાંથી બનતી એક ઘટ્ટ વાનગી છે, જે દેખાવમાં અને બનાવટમાં રાબ કે ખીચડી જેવી લાગે છે, પણ તેનો સ્વાદ સાવ અલગ હોય છે. તેના માટે મકાઈને અધકચરી દળવામાં આવે છે જેને સ્થાનિક ભાષામાં 'મકાઈના કરકરા કણ' કે 'ભરડો' કહેવાય છે. સૌથી પહેલા એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકવામાં આવે છે. પાણી ઉકળે એટલે તેમાં મકાઈનો ભરડો (કણ) નાખવામાં આવે છે. તેને સતત હલાવતા રહીને ધીમા તાપે પકવવામાં આવે છે. જ્યારે તે ઘટ્ટ થઈ જાય અને મકાઈ બરાબર ચડી જાય, ત્યારે તેને ઉતારી લેવાય છે. પરંપરાગત રીતે તેમાં કોઈ મસાલા હોતા નથી, તે એકદમ સાત્વિક હોય છે. મકાઈ ફાઈબરથી ભરપૂર હોય છે અને આ વાનગી તેલ-મસાલા વગરની હોવાથી અત્યંત પૌષ્ટિક છે. ઉનાળામાં તે શરીરને ઠંડક આપે છે.

આ પણ વાંચો: VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન 'લીલું સોનું', જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી

સેવા સાથે સ્વાસ્થ્ય: બ્લડ ડોનેશન કેમ્પ

માત્ર લગ્ન જ નહીં, પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજના યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરીને લગ્નના અવસરને 'સેવા ઉત્સવ' માં ફેરવી દીધો હતો.