Gujarat

પોલીસ ભરતી માટે પ્રેક્ટિસ કરતા TRB જવાનનું હાર્ટએટેકથી મોત

By GS TEAM
9 Jan 20262 mins read
પોલીસ ભરતી માટે પ્રેક્ટિસ કરતા TRB જવાનનું હાર્ટએટેકથી મોત

જાફરાબાદમાં 24 વર્ષીય આશાસ્પદ યુવાનનું સ્વપ્ન રોળાયું : સવારે વોકિંગ કરતી વખતે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડયો, હોસ્પિટલે પહોંચે એ પહેલા જ અંતિમ શ્વાસ લેતા શોકનું મોજું

અમરેલી, : રાજ્યમાં નાની વયના યુવાનોમાં હાર્ટએટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે જાફરાબાદમાં વધુ એક આશાસ્પદ યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત થયું છે. જાફરાબાદમાં ટ્રાફિક બ્રિગેડ (ટીઆરબી)માં ફરજ બજાવતા અને પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા 24 વર્ષીય યુવાનનું ચાલતા-ચાલતા હાર્ટએટેક આવતા મોત નીપજ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જાફરાબાદમાં રહેતા હર્ષ મકવાણા (ઉં. 24) નામના યુવાનને સવારના સમયે વોકિંગ કરતી વખતે અચાનક છાતીમાં સખત દુખાવો ઉપડયો હતો. યુવાનની તબિયત લથડતા તેને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાનની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે જાફરાબાદથી રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો હતો. જોકે, કિસ્મતને કંઈક જુદું જ મંજૂર હતું. રાજુલા પહોંચતા પહેલા રસ્તામાં જ હર્ષે અંતિમ શ્વાસ લીધા હતા. હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. 

મૃતક હર્ષ મકવાણા જાફરાબાદમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતો હતો અને સાથે-સાથે તે પોલીસ ભરતી માટેની સખત તૈયારી પણ કરી રહ્યો હતો. ખાખી વર્દી પહેરવાનું તેનું સ્વપ્ન પૂરૂં થાય તે પહેલા જ કાળનો પંજો તેને ખેંચી ગયો હતો. માત્ર 24 વર્ષની નાની ઉંમરે ઘરના જુવાનજોધ દીકરાના મોતથી મકવાણા પરિવાર પર આભ તૂટી પડયું છે. આ ઘટનાને પગલે સમગ્ર જાફરાબાદ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.