Morbi hadvad Canal 2 Child Drown : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના માનસર ગામ પાસેથી પસાર થતી નર્મદાની ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ છે. કેનાલમાં ન્હાવા પડેલા તમિલનાડુના બે કિશોરો પાણીના તેજ પ્રવાહમાં ગરકાવ થઈ ગયા છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને બાળકોની શોધખોળ માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, બંને બાળકો મૂળ તમિલનાડુના વતની છે. તેઓ તેમના પિતા સાથે ટ્રકમાં બેસીને મોરબી તરફ જઈ રહ્યા હતા. આ મુસાફરી દરમિયાન હળવદના માનસર પાસે ટ્રક ઉભો રહ્યો ત્યારે 13 અને 15 વર્ષની વયના આ બંને કિશોરો કેનાલમાં ન્હાવા માટે પડ્યા હતા. જોકે, કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બંને બાળકો જોતજોતામાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
તંત્ર દ્વારા બચાવ કામગીરી
ઘટનાને પગલે પિતા અને આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. પોલીસ અને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જ જવાનો તાત્કાલિક બોટ અને જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં કેનાલમાં બંને બાળકોને શોધવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટનાને પગલે બાળકોના પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. પિતા સાથે ટ્રક પ્રવાસમાં નીકળેલા આ બાળકો માટે મુસાફરીનો આ સમય અંતિમ સાબિત થશે તેવી કોઈને કલ્પના પણ નહોતી.


