ચાર દરવાજા વિસ્તારમાં ભારે ભીડના કારણે ટ્રાફિક જામની સમસ્યા

વડોદરા,દિવાળી નજીક આવતા જ શહેરમાં છેલ્લી ઘડીની ખરીદી શરૃ થઇ છે. ચાર દરવાજા વિસ્તારમાં મંગળ બજાર અને નવા બજાર વિસ્તારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે. જેના પગલે પોલીસ સતત દોડતી રહે છે.
શહેરના બજારોમાં ખરીદીની ભીડ શરૃ થઇ ગઇ છે. ખાસ કરીને કપડા બજારમાં લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડયા છે. નવી ખરીદી માટે લોકો ખાસ કરીને મંગળ બજાર અને નવા બજારમાં જતા હોય છે. તેના કારણે ત્યાં લોકોની ભારે ભીડ થાય છે. આ ઉપરાંત ચાર દરવાજા વિસ્તારમાં રોડ પર ઉભા રહેતા લારીઓવાળા અને ફૂટપાથ પરના પથારાવાળાના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધુ વિકટ બને છે. પોલીસ દ્વારા તેઓને રોડ પરથી સતત હટાવવાની કામગીરી કરવામાં આવે છે. કેટલાક કિસ્સામાં પોલીસ સાથે ઘર્ષણ પણ થતું હોય છે. હજી તો દિવાળી અગાઉનો છેલ્લો રવિવાર બાકી છે. તે દિવસે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને તેવી શક્યતા છે.








