Gujarat

ભાઈજીપુરા નજીક સર્વિસ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૃપ દબાણો દૂર કરાયા

By GS TEAM
3 Apr 20262 mins read
ભાઈજીપુરા નજીક સર્વિસ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૃપ દબાણો દૂર કરાયા

દુકાનદારોએ ખુલ્લી જગ્યા ખાણીપીણીની લારીઓને ભાડે આપી

સ્થાનિકોની ફરિયાદ બાદ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ઃ આગામી સમયમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે

ગાંધીનગર : ગાંધીનગરના ભાઈજીપુરા પાસે સર્વિસ રોડ ઉપર ટ્રાફિકને અડચણરૃપ દબાણ ઊભા થઈ ગયા હતા જેના કારણે પાકગનો પ્રશ્ન ઉદભવ્યો હતો ત્યારે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ દબાણ દૂર કરવામાં આવ્યા છે અને ફરીવાર અહીં નહીં ઊભા રહેવા તાકીદ કરવામાં આવી હતી. આગામી દિવસમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

રાજ્યના પાટનગર ગાંધીનગર શહેરમાં દબાણનો પ્રશ્ન ખૂબ જ ગંભીર બની રહ્યો છે. માર્ગોની સમાંતર ઊભા થઈ જતા લારી ગલ્લાના દબાણને કારણે ટ્રાફિકનો પ્રશ્ન સર્જાય છે. ઘણી જગ્યાએ પાકગના સ્થળોમાં જ અલારીઓ ગોઠવાઈ જતી હોવાથી વાહનો પાર્ક પણ થઈ શકતા નથી. આ સ્થિતિમાં ગાંધીનગર કોબા હાઇવે ઉપર ભાઈજીપુરા ચાર રસ્તા અને સવસ રોડ ઉપર લારી ગલ્લાના દબાણો થઈ જવાને કારણે અહીંના વસાહતીઓને માર્ગ ઉપરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હતું. એટલું જ નહીં દુકાનદારો દ્વારા બહારની ખુલ્લી જગ્યામાં ખાણીપીણીની લારીઓ માટે  ભાડે આપી દેવામાં આવતા પ્રશ્ન ખૂબ જ ગંભીર બન્યો હતો. આ સ્થિતિને પગલે હવે કોર્પોરેશનની એસ્ટેટ શાખા જાગૃત થઈ હતી અને ગઈકાલે આ વિસ્તારમાં આ લારી ગલ્લાના દબાણને દૂર કર્યા હતા અને આગામી દિવસમાં અહીં નહીં ઊભા રહેવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી.

આ હાઇવે ઉપર બંને તરફના સવસ રોડ ઉપર દબાણનો પ્રશ્ન ખૂબ જ ગંભીર બની રહ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા અહીં સમસ્યાના કાયમી નિકાલ માટે કડક કાર્યવાહીની જરૃરિયાત લાગી રહી છે.