Ahmedabad News : અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય વેપારી હનીટ્રેપ અને તોડબાજીનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવ્યા બાદ એક મહિલાએ વેપારીને મળવા બોલાવ્યા હતા અને ત્યારબાદ પોલીસના સ્વાંગમાં આવેલા શખસોએ વેપારીનું અપહરણ કરી ડ્રગ્સ કેસમાં જેલભેગા કરી દેવાની ધમકી આપી રૂ.5 લાખ પડાવી લીધા હતા. નરોડા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ફેસબુક પર 'હેતલ' સાથે થઈ હતી મિત્રતા
ફરિયાદ મુજબ, નારણપુરામાં દુકાન ધરાવતા દીશીષભાઈ પટેલ ત્રણ મહિના અગાઉ ફેસબુક પર હેતલ પટેલ નામની મહિલાના સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે વોટ્સએપ પર વાતચીત શરૂ થઈ હતી. ગત 1 જાન્યુઆરીએ હેતલે દીશીષભાઈને નરોડા નાના ચિલોડા ચાર રસ્તા પાસે એક રેસ્ટોરન્ટમાં મળવા બોલાવ્યા હતા. વેપારી પોતાની ફોર્ચ્યુનર કાર લઈને ત્યાં પહોંચ્યા હતા.
પૂજાના બહાને કાર ઊભી રખાવી અને ખેલ શરૂ થયો
ત્યારબાદ હેતલે વેપારીને પાલેજ ગામ સુધી મૂકી જવાની વિનંતી કરી હતી. વેપારી મહિલાને મૂકવા જતાં દરમિયાન રસ્તામાં ડભોડા ચાર રસ્તા પાસે જોગણી માતાના મંદિરે દર્શન કરવાના બહાને મહિલાએ કાર ઊભી રખાવી હતી. આ સમયે નંબર પ્લેટ વગરની એક સફેદ કાર ત્યાં આવી પહોંચી હતી, જેમાંથી પોલીસના યુનિફોર્મમાં સજ્જ એક શખસ સહિત ત્રણ લોકો ઉતર્યા હતા.
"તમે ડ્રગ્સની હેરાફેરી કરો છો" કહી ધમકાવ્યા
નકલી પોલીસ બનેલા શખસોએ મહિલા પર ડ્રગ્સ તસ્કરીનો આરોપ લગાવી દીશીષભાઈને તેના મદદગાર ગણાવ્યા હતા. "તમારી વિરુદ્ધ કેસ કરીશું અને આજીવન જેલની હવા ખવડાવીશું, તમારો પરિવાર તમને શોધી પણ નહીં શકે" તેવી ધમકી આપી દીશીષભાઈને પોતાની જ કારની પાછળની સીટ પર બેસાડી દીધા હતા.
હિંમતનગર હાઈવે પર અપહરણ અને 5 લાખનો તોડ
આરોપીઓ કાર હિંમતનગર-પ્રાંતિજ હાઈવે તરફ લઈ ગયા હતા અને મામલો થાળે પાડવા રૂ.30.70 લાખની માંગણી કરી હતી. અંતે ડરના માર્યા વેપારીએ પોતાના મિત્ર મારફતે એરપોર્ટ રિંગ રોડ પાસે રૂ.5 લાખ ચૂકવ્યા હતા. નાણાં મળ્યા બાદ આરોપીઓ વેપારીને મુક્ત કરી ભાગી ગયા હતા.
રામોલ પોલીસે પકડેલી ગેંગની મોડસ ઓપરેન્ડી પરથી ભાંડો ફૂટ્યો
સમગ્ર ઘટના બાદ પણ આરોપીઓ ફોન પર નાણાંની માંગણી કરતા હતા, પરંતુ વેપારીએ પ્રતિસાદ આપવાનું બંધ કર્યું હતું. તાજેતરમાં રામોલ પોલીસે આવી જ એક હનીટ્રેપ ગેંગને ઝડપી હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાંચ્યા બાદ દીશીષભાઈએ હિંમત ભેગી કરી નરોડા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે હેતલ અને 'રવિ' નામના શખસ સહિતની ગેંગ વિરુદ્ધ ખંડણી, નકલી પોલીસ બનવા અને અપહરણનો ગુનો નોંધી આરોપીઓને પકડવા કવાયત શરૂ કરી છે.


