Fake Milk Dairy in Sabarkantha: ગુજરાતમાં દૂધના કાળા કારોબારનો વધુ એક મામલો સામે આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સલાલ ગામે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 'સત્યા ડેરી પ્રોડક્ટ' નામની ફેક્ટરીમાં ચાલતા નકલી દૂધના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અહીં સરસ આકર્ષક પેકિંગ તાજા અને ગોલ્ડ મિલ્કના નામે તૈયાર કરીને અલગ અલગ પાર્લર પર વેચાણ કરવામાં આવતા હતા. ડિટર્જન્ટ અને યુરિયાનું જીવલેણ મિશ્રણ ખરીને સફેદ પ્રવાહી (નકલી દૂધ) તૈયાર કરવામાં આવતું હતું. સાબરકાંઠા પોલીસના ધ્યાને આવતા પ્રાંતિજના સલાલ ગામે દરોડો પાડીને આખાય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
કેમેકિલવાળુ દૂધ અને છાશ બનાવાતા હોવાની મળી હતી બાતમી
સાબરકાંઠા પોલીસને બાતમી મળી હતી કે પ્રાંતિજ તાલુકાના સલાલના રેલ્વે ક્રોસિંગ પાસે સત્યાડેરી પ્રોડક્ટસ નામની ફેકટરીમાં ભેળસેળયુકત તથા કેમિકલવાળુ દૂધ અને છાશ બનાવીને તેનું વેચાણ થઈ રહ્યું છે. જે આધારે પોલીસે ગુરૂવારે બાતમીને આધારે તપાસ હાથ ધરી હતી. જ્યાં આરોગ્યને હાનિકારક તથા શરીરને નુકસાન થાય તેવા પદાર્થો પૈકી દૂધનો પાવડર, કોસ્ટિક સોડા, પામોલિન-સોયાબીન તેલ, કપડા ધોવાનો ડિટર્જન્ટ પાવડર અને ખેતી કરવામાં વપરાતા યુરિયાનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ આ બનાવટી દૂધનું પેકિંગ કરી વેચાણ કરવા માટે વિવિધ ઠેકાણે વાહનોમાં ભરી મોકલવામાં આવતું હતુ. દરમ્યાન એલસીબીએ એફ.એસ.એલ તથા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખી આ ખાનગી ફેકટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં તપાસ દરમ્યાન અધિકારીઓને અંદાજે રૂ. 71.29 લાખનો જથ્થો મળી આવ્યો હતો.
પાંચ આરોપીને દબોચી લેવાયા, મુખ્ય આરોપી ફરાર
સાબરકાંઠા-અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાંરહેતા લોકો રોજબરોજ દૂધનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે કેટલાક ભેજાબાજો અઢળક કમાણી કરવાની લાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. LCB અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બાતમીને આધારે પ્રાંતિજ તાલુકાના સલાલ રેલ્વે ક્રોસિંગ પાસેની એક ખાનગી ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. પોલીસે આ મામલે ચાર શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે એક સગીરની પણ અટકાયત કરાઈ છે. જોકે, ફેક્ટરીનો મુખ્ય સંચાલક હજુ પણ ફરાર છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તંત્ર દ્વારા ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે અને દૂધના સેમ્પલ વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.
કેવી રીતે બનતું હતું નકલી દૂધ?
દરોડા દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ફેક્ટરીમાં કુદરતી દૂધને બદલે કેમિકલનો ઉપયોગ કરી 'સફેદ ઝેર' તૈયાર કરવામાં આવતું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, દૂધમાં ફીણ લાવવા માટે ડિટર્જન્ટ પાઉડરનો ઉપયોગ થતો હતો. દૂધની ઘનતા અને ફેટ વધારવા માટે યુરિયા ખાતર ભેળવવામાં આવતું હતું. નકલી દૂધ બનાવવા માટે સોયાબીન તેલ, પામોલીન તેલ, દૂધની ઘનતા વધારવા માટે વપરાતો એસ.એમ.પી પાવડર, પ્રોટીન લેવલ કૃત્રિમ વધારવા માટે વ્હે પ્રોટિન, યુરીયા ખાતર, કોસ્ટિક સોડા અને ડિટરજન્ટ પાવડરનો ઉપયોગ કરાતો હતો આ હાનિકારક દૂધને બજારમાં શુદ્ધ દૂધ તરીકે વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર રમત રમાતી હતી.


