Gujarat

રક્ષાબંધન પૂર્વે થયેલા ટ્રાફિક જામની સ્થિતિ ફરી ના સર્જાય તે માટે પોલીસે કોર્પોરેશન પાસે 45 હોકિંગ ઝોનની માહિતી માંગી

By GS Team
11 Aug 20251 min read
This article was originally published on 11 Aug 2025
રક્ષાબંધન પૂર્વે થયેલા ટ્રાફિક જામની સ્થિતિ ફરી ના સર્જાય તે માટે પોલીસે કોર્પોરેશન પાસે 45 હોકિંગ ઝોનની માહિતી માંગી

વડોદરાઃ રક્ષાબંધનની  પૂર્વ સંધ્યાએ વડોદરા શહેર અને આસપાસના હાઇવે પર કલાકો સુધી ટ્રાફિક જામ થતાં લોકોમાં ભારે ઊહાપોહ થયો છે ત્યારે આગામી તહેવારોમાં આવી સ્થિતિ ના સર્જાય તે માટે એક્શન પ્લાન બનાવવા પોલીસે કોર્પોરેશન પાસે માહિતી માંગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ,રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ ઠેરઠેર ટ્રાફિક જામ થતાં કલાકો સુધી લોકો અટવાયા હતા અને માંડમાંડ સ્થિતિ રાબેતા મુજબની થઇ હતી.આ પ્રકારનો જામ આગામી દિવાળી સુધીના તહેવારો દરમિયાન ના થાય તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે કોર્પોરેશન પાસે ૪૫ જેટલા હોકિંગ ઝોનની માહિતી માંગી છે.

ટ્રાફિક જામ માટે ગેરકાયદે દબાણો, લારી-ગલ્લા,પથારા અને આડેધડ પાર્ક થતા વાહનો મુખ્યત્વે જવાબદાર હોવાને કારણે પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવી કોર્પોરેશનને સાથે રાખી ઝુંબેશ ચલાવવામાં આવનાર હોવાની માહિતી મળી છે.

નોંધનીય છે કે,તાજેતરમાં વડોદરા-કરજણ હાઇવે,ગોલ્ડન ચોકડી પાસે હાઇવે પર તેમજ હાઇવેની અન્ય ચોકડી પર પોલીસે કોર્પોરેશન અને નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને સાથે રાખી દબાણોનો સફાયો કર્યો હતો.