Gujarat

ખેડા જિલ્લામાં 24 કલાકમાં ત્રણ માર્ગ અકસ્માત 3 વ્યક્તિનાં મોત : ચારથી વધુ લોકોને ઇજા

By GS TEAM
28 Feb 20262 mins read
ખેડા જિલ્લામાં 24 કલાકમાં ત્રણ માર્ગ અકસ્માત 3 વ્યક્તિનાં મોત : ચારથી વધુ લોકોને ઇજા

બાર મહુડી પાટિયા પાસે, વાંઠવાળી નજીક અને લીંબાસી રોડ પર અકસ્માત

ટ્રક અને બાઇક અથડાતા એકનું, ટેમ્પીના ચાલકે મોટરસાઇકલને ટક્કર મારતા શખ્સનું અને ટેમ્પી પલટી ખાતા યુવકનું મોત

નડિયાદ: ખેડા જિલ્લામાં ૨૪ કલાકમાં ત્રણ અકસ્માતમાં ત્રણ વ્યકિતનાં મોત થયા છે.આ માર્ગ અકસ્મતામાં ગંભીર રીતે ઇજા પામેલા ચારથી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

નડિયાદ- કપડવંજ હાઇવે પર બાર મહુડી પાટિયા પાસે ગઇકાલે રાત્રે સાડ દસ વાગ્યાના આરસામાં ટ્રક રોડ પર ઉભી રાખી દીધી હતી. દરમિયાન કપડવંજથી પરત ફરી રહેલા નડિયાદના સરદાર નગરના આનંદકુમાર જોગાજી સરગરા પોતાની બાઇક પર પત્ની ગીતા બહેન સાથે પસાર થઇ રહ્યાં હતા. અંધારામાં ઉભેલી ટ્રક પાછળ તેમની બાઇક અથડાતા આનંદકુમારનું ઘટના સ્થળે મોત થયું હતું, ગીતા બહેનને ઇજા થતાં નડિયાદ સિવિલમાં ખસેડાયા હતા. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. 

મહેમદાવાદના વાંઠવાળી ગામ પાસે નાગરપુરા ખોડિયાર માતાના મંદિર પાસે પાંચ વાગ્યાના આરસામાં કાસિમ શોકિનશા મજીદશા શાહ અને જીસાન સમસુદ્દીન ભિસ્તી પોતાની બાઇક લઇને વરસોલા જઇ રહ્યાં હતા. 

દરમિયાન સામેથી આવતા ટેમ્પોના ચાલકે બાઇકને ટક્કર મારતા બંને ફંગોળાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ કાસિમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જયારે જીસાનને વધુ સાવરાર માટે નડિયાદ રિફર કરવામાં આવ્યો હતો. 

અન્ય બનાવમાં લીંબાસી -તારાપુર રોડ પર સરકારી દવાખાના પાસે ગાય આડી ઉતરતા એક લોડિંગ ટેમ્પી પલટી ખાઇ ગઇ હતી. જેમાં તારાપુરના ચાલક મુનાફ અબ્દુલ કરીમ વ્હોરાનું મોત થયું હતું. જયારે ટેમ્પીમાં સવારે દિનેશ વાલ્મીકીને ઇજા થઇ હતી.