Gujarat

વિસાવદર : મેંદરડાનાં જંગલમાં ત્રણ સિંહનાં કૃમિથી મોત, છ સિંહોને સારવાર

By GS Team
26 Jun 20192 mins read
This article was originally published on 26 Jun 2019
વિસાવદર : મેંદરડાનાં જંગલમાં ત્રણ સિંહનાં કૃમિથી મોત, છ સિંહોને સારવાર



વિસાવદર, તા. 26 જૂન 2019, બુધવાર

મેંદરડાના ગડકબારી વિસ્તારમાં ત્રણ સિંહોના મોત બાદ ચોંકાવનારી હકીકતો સામે આવી છે જેમાં સિંહોના મોત કૃમિથી થયા હોવાનું સામે આવ્યું છે અને તેના ગુ્રપના અન્ય છ સિંહો પણ આ રોગનો ભોગ બન્યા હોય જેથી વનવિભાગ દ્વારા તેને રીંગ પાંજરામાં રાખી કૃમિની સારવાર આપવામાં આવી રહી છે અને હજુ પણ તંદુરસ્ત ન થાય ત્યાં સુધી પાંજરામાં કેદ રાખવામાં આવશે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ 15 દિવસ પહેલા બે સિંહ બાળ અને એક માદાનું મોત થયું હતું. બાદમાં તેનું પીએમ કરવામાં આવતા તેના પેટમાં જીવાતો જોવા મળી હતી. જેના કારણે ત્રણેય સિંહોના મોત થયાની હકીકત સામે આવતા તુરંત જ વન વિભાગ દ્વારા તેના ગૃપના ત્રણ સિંહબાળ બે માદા અને એક નરને પાંજરામાં કેદ કરવામાં આવ્યા છે. 

આ છ સિંહોને કૃમિનો એક ડોઝ આપ્યા બાદ સિંહોની પરિસ્થિતિમાં સુધારો ન જણાતા બીજો ડોઝ પણ આપવામાં આવ્યો છે અને હજુ પણ આ તમામ સિંહને વનવિભાગ દ્વારા રિંગ પાંજરામાં કેદ રાખી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યાં સુધી સિંહોની તબિયત સુધારા પર ન આવે ત્યાં સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.

દલખાણીયા વિસ્તારમાં ભેદી વાયરસના કારણે 23 સિંહોના મોત બાદ મેંદરડાના ગડકબારી જંગલ વિસ્તારમાં સિંહોના નવા રોગથી મોત થયા છે અને તેના સાથી અન્ય સિંહોમાં પણ આ રોગની અસર જોવા મળતા વનવિભાગમાં હડકંપ મચી ગયો છે. આ રોગ પાછળનું મુખ્ય કારણ ખોરાક હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સિંહોએ આ વિસ્તારમાં વાસી ખોરાક ખાધો હોવાથી કૃમિનો ભોગ બન્યા હોય તેવી વનવિભાગમાં ચર્ચા ચાલી રહી છે. આ અંગે વનવિભાગના સીસીએફ વસાવડાએ જણાવ્યું હતું કે આ કોઈ ગંભીર રોગ નથી અને સમગ્ર ગીરમાં અન્ય સિંહોનું મોનિટરિંગ કરવામાં આવ્યું તેમાં પણ આવી કોઈ બીમારી કે રોગ હોય તેવું હજુ સુધી સામે આવેલ નથી.