Get The App

સે-૨૪ના બગીચામાં ગાંજાનું વેચાણ કરતા સગીર સહિત ત્રણ ઝડપાયા

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
સે-૨૪ના બગીચામાં ગાંજાનું વેચાણ કરતા સગીર સહિત ત્રણ ઝડપાયા 1 - image

ગાંધીનગરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો દરોડો

એક શખ્સ ભાગી જવામાં સફળ ઃ જથ્થો પૂરો પાડનાર બેની શોધખોળ ઃ ૨૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં આવેલા બગીચામાં ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમીના પગલે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા ગઈકાલે રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો અને સેક્ટર ૨૪ના સગીર સહિત ત્રણ શખ્સોને ઝડપી લઇ ૧૩૩ ગ્રામ ગાંજો અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે અન્ય ત્રણ શખ્સોની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં નસીલા પદાર્થોનું વેચાણ ધીરે ધીરે વધી રહ્યું છે ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં નશીલા પદાર્થોનું વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સએ દરોડો પાડયો હતો. સોમવારની રાત્રે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસને બાપા સીતારામ આશ્રમની મઢુલી સામે આવેલા બગીચામાંથી ઇલેક્ટ્રિક ઓફિસની પાછળ ગાંજાનું વેચાણ કરતા શખ્સો મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કુલ ૧૩૩ ગ્રામ ગાંજો , ૩ મોબાઈલ ફોન, ,૨૩૦ રોકડા, આધાર કાર્ડ અને ગાંજો પીવા તેમજ પેકિંગ કરવા માટે વપરાતી સામગ્રી મળી કુલ ૨૨,૮૮૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. એફએસએલના અધિકારીએ ચકાસણી કરતા ગાંજો હોવાની પુષ્ટિ કરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેમાં સેક્ટર ૨૪ના મનીષ નરશીભાઇ વાઘેલા, રોનક ઉર્ફે અઠ્ઠો શંકરભાઇ રાવળ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરનો સમાવેશ થાય છે  તો પોલીસને જોતા જ પ્રકાશ ઉર્ફે પકો બાબુજી રાણા નામનો શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ આ જથ્થો વડનગરના પ્રકાશ સુરેશજી ઠાકોર અને સેક્ટર-૨૪માં રહેતા ભાવેશ રમેશભાઇ સોલંકી પાસેથી લાવતા હતા. પકડાયેલા શખ્સો ગાંજાની નાની પડીકીઓ બનાવીને છૂટક વેચાણ કરતા હોવાની કબૂલાત કરી છે.