Gujarat

વડોદરામાં આગના ત્રણ બનાવઃજીઆઇડીસીમાં સ્ક્રેપના ગોડાઉન અને જેતલપુરની ઓફિસમાં આગ

By GS TEAM
13 Feb 20261 min read
વડોદરામાં આગના ત્રણ બનાવઃજીઆઇડીસીમાં સ્ક્રેપના ગોડાઉન અને જેતલપુરની ઓફિસમાં આગ

વડોદરાઃ શહેરમાં આજે જુદાજુદા ત્રણ વિસ્તારમાં આગ લાગવાના બનાવો બનતાં ફાયર બ્રિગેડને દોડધામ કરવી પડી હતી.જો કે ત્રણેય બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી.

મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાં વીસીસીઆઇની ઓફિસ પાસેના સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરે બાર વાગ્યાના અરસામાં આગ લાગવાનો બનાવ બનતાં ચારેબાજુ ધુમાડા છવાયા હતા.ફાયર બ્રિગેડને જાણ કરાતાં ત્રણ ફાયર ફાઇટર સાથે ટીમો પહોંચી હતી અને ત્રણ કલાકે આગ કાબૂમાં લીધી હતી.

જેતલપુર રોડ પર ઇન્ડિયા બુલ્સના સેકન્ડ ફ્લોર પર આવેલી બ્લ્યુ બોક્સ ઇન્ડિયા નામની ઓફિસમાં સવારે શોર્ટસર્કિટને કારણે આગ લાગતાં ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.આ વખતે ત્યાંની ફાયર સિસ્ટમ પણ કાર્યરત નહિ હોવાનું જણાઇ આવ્યું હતું.આગમાં નુકસાનની વિગતો દર્શાવાઇ નહતી.

બપોરના સમયે ફતેગંજના સદર બજારમાં પણ બે માળના એક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો.ગીચ વિસ્તાર હોવાથી લોકોના ટોળા જામ્યાં હતા અને ફાયર બ્રિગેડને જાણ કરાતાં ૧૫ જેટલા જવાનોએ આગ કાબૂમાં લીધી હતી.ઉપરોક્ત મકાનમાં ડિસ્પોઝેબલ પડીયા,પતરાળા,ગ્લાસ જેવું મટિરિયલ સ્ટોર કરવામાં આવ્યું હોવાથી આગ ઝડપભેર ફેલાઇ હતી.પોલીસ અને વીજ કંપનીની ટીમો પણ મદદમાં આવી જતાં વધુ નુકસાન થતું અટક્યું હતું.