Gujarat

દિલ્હી-વડોદરાની ત્રણ ફ્લાઇટ દોઢથી ત્રણ કલાક મોડી આવી

By GS TEAM
7 Nov 20251 min read
દિલ્હી-વડોદરાની ત્રણ ફ્લાઇટ દોઢથી ત્રણ કલાક મોડી આવી

વડોદરા : દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે એટીસીમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા સમગ્ર દેશમાં હવાઇ સેવાને અસર થઇ હતી અને તેના કારણે વડોદરા દિલ્હીની ત્રણ ફ્લાઇટ પણ મોડી પડી હતી. ત્રણ ફ્લાઇટ દોઢ ત્રણ કલાક મોડી પડતા પેસેન્જરોને ભારે પરેશાની ભોગવવી પડી હતી.

એરપોર્ટના સુત્રોએ જણાવ્યું હતું કે, સવારે વડોદરા દિલ્હીની બે ફ્લાઇટ લેટ પડી હતી, જેમાં ઇન્ડિગોની દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઇટ સાડા ત્રણ કલાક લેટ થઇ હતી તો એર ઇન્ડિયાની દિલ્હી વડોદરા ફ્લાઇટ પણ દોઢ કલાક મોડી પડી હતી. સવારની ફ્લાઇટના  પેસેન્જરો સમયસર એરપોર્ટ પર પહોંચી ગયા હતા પરંતુ બન્ને ફ્લાઇટ લેટ થતાં પેસેન્જરો પરેશાન થઇ ગયા હતા.

જ્યારે સાંજે ઇન્ડિગોની દિલ્હી રુટની ફ્લાઇટ ૨ કલાક મોડી આવી હોવાનું એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિલ્હી એરપોર્ટ પર એટીસીમાં ટેકનિકલ ક્ષતિ સર્જાતા એરપોર્ટ પર વિમાનોનું લેન્ડિંગ અને ટેક ઓફ મુશ્કેલ બની ગયું હતું અને તેના કારણે એટીસીને મેન્યુઅલી કામ કરવાની ફરજ પડતા અસંખ્ય ફ્લાઇટ ડીલે થઇ હતી.