વડોદરા, તા.24 સરકારી લાભો અપાવવાના બહાને સાવલીમાં બે વૃધ્ધાઓ પાસેથી રોકડ તેમજ દાગીના તફડાવી ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે વૃધ્ધાને ટાર્ગેટ કરતા ત્રણ ગઠિયાની ધરપકડ કરી છે.
સાવલી તાલુકાના સામંતપુરા ગામમાં રહેતા કાંતાબેન રસિકભાઇ ગોહિલે સાવલી પોલીસમાં બે અજાણ્યા યુવાનો સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૫ જુલાઇના રોજ હું શાકભાજી લેવા માટે ગોઠડા તરફ ચાલતી જતી હતી ત્યારે બાઇક પર આવેલા બે યુવાનોએ વિશ્વાસમાં લઇ બાઇક પર બેસાડી હતી અને અમો બેન્કોમાં સરકારી કામો કરીએ છીએ, ઉંમરલાયક માણસોને સરકારી લાભો અપાવીએ છીએ તેમ કહી સાવલી સેવાસદન પાસે લઇ ગયા હતાં. ત્યાં એક છાપરા નીચે બેસાડી અંગુઠો તેમજ ફોટો લીધા બાદ એક ગઠિયાએ ફોન પર મારા પુત્ર સાથે વાત કરાવી હતી તે મુજબ મેં પાયલ, બુટ્ટી અને રોકડ મળી કુલ રૃા.૧૪૫૦૦ની મતા આપી દીધા હતાં. બાદમાં ગઠિયાઓ તમારા બાબાને પૈસા લેવા મોકલી આપજો તેમ કહી તેઓ જતા રહ્યા હતાં. જો કે બાદમાં ખબર પડી હતી કે ફોન પર મારા બાબાની સાથે નહી પરંતુ અન્ય સાથે વાત કરી હતી.
અન્ય બનાવમાં રુપણકુઇ ગામના ૬૦ વર્ષના સૂરજબેન ભગવાનભાઇ ભોઇ જાન્યુઆરી માસના પ્રારંભમાં સાવલીની બેન્ક ઓફ ઇન્ડિયામાંથી રૃપિયા ઉપાડી બહાર નીકળ્યા હતા ત્યારે એક શખ્સે આવીને હું તાલુકા પંચાયતનો સાહેબ છું, તમારા જેવી ઉંમરલાયક મહિલાઓને સરકારી લાભો અપાવવાનું કામ કરું છું તેમ કહી વિશ્વાસ કેળળ્યો હતો અને બેંકમાંથી ઉપાડેલી રકમ રૃા.૧૭ હજારના ડબલ કરી આપવા માટે બેંકના એટીએમ પાસે લઇ ગયો હતો. વૃધ્ધા પાસેથી પૈસા લીધા બાદ એટીએમ મશીન પાસે જઇને પરત આવીને એક પાવતી આપી બેંકમાંથી તમને ડબલ રૃપિયા મળશે તેમ કહ્યું હતું. વૃધ્ધા બેંકમાં ગઇ તો પાવતી બોગસ હોવાનું જણાયું હતું.
દરમિયાન સાવલી પોલીસે ફિરોજ ઇસુબ મલેક અને સલીમ ઇબ્રાહિમ મલેક (બંને રહે.વાંકાનેર, તા.સાવલી) તેમજ આશીફખાન મહેબુબખાન પઠાણ (રહે.ધુળેટા, તા.ઉમરેઠ)ની ધરપકડ કરી તેઓની પાસેથી સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા.૧.૯૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


