Gujarat

કેબલ ફોલ્ટ સર્જાતા હજારો ટેલિફોનના ડબલા બંધ

By GS Team
10 Jul 20202 mins read
This article was originally published on 10 Jul 2020
કેબલ ફોલ્ટ સર્જાતા હજારો ટેલિફોનના ડબલા બંધ

રાજકોટ, તા. 10 જુલાઈ, 2020, શુક્રવાર

રાજકોટમાં વરસાદી માહોલમાં આજે બીએસએનએલના લેન્ડલાઈન ફોન છેલ્લા ચાર દિવસથી અનેક વિસ્તારોમાં બંધ થઈ ગયા હોવા છતાં ચાલુ નહી થતા ગ્રાહકોમાં ભારે દેકારો બોલી ગયો હતો. અલબત આજે ટેલિફોનના ફોલ્ટ રીપેરીંગ માટે ઈન્દોરની એજન્સી દ્વારા ખાનગી કર્મચારીઓનો જે મેઈન્ટેનન્સનું કામ સોંપવામાં આવ્યું છે તે બરાબર નહી ગોઠવાતા આજે ખાનગી એજન્સીને મેઈન્ટેનન્સના મુદ્દે તાકીદ કરવામાં આવી હતી.

રાજકોટમાં ૨૨ વર્ષ ચોમાસા દરમિયાન અનેક માર્ગો ઉપર પાણી ભરાતા જ અન્ડર ગ્રાઉન્ડ ટેલીફોન કેબલને નુકશાન થાય છે. જુનવાણી કેબલમાં પાણી ભરાતા હોવાથી લેન્ડ લાઈન ફોન બંધ થઈ જાય છે. અથવા તો અવાજ સંભળાતો નથી. આ પ્રકારની ફરિયાદો સાથે બીએસએનએલની ઈન્ટરનેટ સેવા પર અનેક વિસ્તારોમાં ખોરવાઈ જતાં આ મુદ્દે જુદા જુદા વિસ્તારોમાંથી અનેક ફરિયાદો આવી હતી.

આ મુદ્દે ટેલિફોન તંત્રના સુત્રોએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૨૦૨૦ દરમિયાન ટેલિફોન તંત્રનો મોટાભાગનો સ્ટાફ સ્વૈચ્છીક રીતે નિવૃત્ત થઈ ગયો હોવાથી ખાનગી એજન્સીને મેઈન્ટેનન્સનું જે કામ સોંપવામાં આવ્યું છે તે હજુ આજસુધી તમામ વિસ્તારોમાં ચાલુ થયુ નથી. પરિણામે અનેક વિસ્તારોમાંથી ઉઠતી ફરિયાદો દિવસ દરમિયાન કલીઅર થતી નથી. વધુમાં બ્રોડબેન્ડ સેવાના રીપેરીંગ માટે જે અનુભવી સ્ટાફ હોવો જોઈએ તેની તંગી હોવાના કારણે સરવાળે ગ્રાહકોએ જ હેરાન થવું પડે છે. આજે મેઈન્ટેનન્સનો કોન્ટ્રાકટ સંભાળનાર ઈન્દોરની એજન્સીના સીનીયર કર્મચારીઓને લેન્ડલાઈન અને બ્રોડબેન્ડના ફોલ્ટ નિવારવા માટે પુરતી વ્યવસ્થા ગોઠવવાની તાકીદ કરવામાં આવી હતી.