Gujarat

આણંદમાં ભાથીજી મહારાજના મંદિરે આજે રાવણું કરાશે : હજારો નાળીયેર હોમાશે

By GS Team
4 Nov 20211 min read
This article was originally published on 4 Nov 2021
આણંદમાં ભાથીજી મહારાજના મંદિરે આજે રાવણું કરાશે : હજારો નાળીયેર હોમાશે

- ખેડૂતો ખેતરમાં દીવો કરી નાળીયેર વધેરશે

- જિલ્લાભરમાંથી દર્શન કરવા આવનારા ભાવિકોને ડોડાના પ્રસાદનું વિતરણ કરાશે

આણંદ : આસ્થાના પ્રતિક ક્ષત્રિયવીર ભાથીજી મહારાજના મંદિરે આણંદ શહેર સહિત જિલ્લાભરના અસંખ્ય શ્રધ્ધાળુઓ દ્વારા બેસતા વર્ષના દિવસે રાવણું કરાશે અને હજારો કિલો નાળીયેર હોમાશે ભાથીજી મંદિરોમાં ભાવિકોને ડોડાનો પ્રસાદ વિતરણ કરાશે. બેસતા વર્ષ નિમિત્તે જિલ્લાના વિવિધ ભાથીજી મંદિર ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

આણંદ શહેરમાં લોટીયા ભાગોળ સ્થિત ભાથીજી મંદિર ખાતે તા.૫મી નવેમ્બર, ૨૦૨૧ને શુક્રવારના રોજ (બેસતા વર્ષના દિવસે) વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બેસતા વર્ષ નિમિત્તે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વિવિધ ભાથીજી મંદિરોને રંગોરોગાન અને રોશનીથી ઝળહળતા કરી દેવામાં આવ્યા છે. શુક્રવારના રોજ વહેલી સવારથી જ શ્રધ્ધાળુઓ મંદિરમાં દર્શનાર્થે ઉમટી પડશે. બપોર બાદ જિલ્લાના વિવિધ ભાથીજી મંદિરોમાં ભાથીજી મહારાજનું રાવણું થશે અને ડોડાનો પ્રસાદ વહેંચાશે. વહેલી સવારથી મોડી સાંજ સુધી અસંખ્ય ભાવિક ભક્તો દ્વારા મંદિરમાં નાળીયેર ચઢાવવામાં આવશે અને ભક્તિભાવપૂર્વક પૂજન-અર્ચન કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતો પણ આ દિવસે પોતાના ખેતરમાં દીવો કરી નાળીયેર વધેરશે. તેમજ પશુપાલકો ઉકરડા ઉપર દીવો કરશે. શહેર સહિત જિલ્લાભરમાં આવેલ તમામ ભાથીજી મંદિરમાં નવા વર્ષના દિવસે હજારો નાળીયેર હોમાશે.