વિકાસની દોડમાં ખેતરો હવે કોંક્રિટના જંગલોમાં ફેરવાયા
વર્ષ ૨૦૨૪માં ૯૬.૯૮ લાખ ચોમી તથા ૨૦૨૫માં ૧.૧૩ કરોડ ચોમી
જમીન એનએમાં તબદીલ ઃ રૃપિયા ૨૭.૮૦ કરોડની આવક
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં જે રીતે શહેરીકરણ અને ઔદ્યોગિકરણની ગતિ વધી રહી છે, તેની સીધી અસર હવે જિલ્લાના કૃષિ ક્ષેત્ર પર દેખાઈ રહી છે. છેલ્લા બે વર્ષના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો, ગાંધીનગર જિલ્લામાં ખેતીલાયક જમીનના ક્ષેત્રફળમાં ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. વિકાસની આ દોડમાં ખેતરો હવે કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ રહ્યા છે, જેના કારણે માત્ર ૨૪ મહિનાના ટૂંકા ગાળામાં જ ૨.૧૦ કરોડ ચોરસ મીટર જેટલી વિશાળ જમીન ખેતીના નકશામાંથી ભૂંસાઈ ગઈ છે.
વિધાનસભામાં પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકાર દ્વારા
રજૂ કરવામાં આવેલા વર્ષવાર આંકડાઓ દર્શાવે છે કે જમીનને બિનખેતી કરવાની
પ્રક્રિયામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૪માં જિલ્લામાં કુલ ૯૬,૯૮,૪૫૯ ચોરસ મીટર
જમીન બિનખેતી કરવામાં આવી હતી. જોકે,
૨૦૨૫માં આ પ્રક્રિયાએ વધુ વેગ પકડયો હતો અને ૧,૧૩,૪૫,૨૮૦ ચોરસ મીટર
જમીન બિનખેતીમાં પરિવતત થઈ હતી. આમ,
૨૦૨૪ની સરખામણીએ ૨૦૨૫માં જમીન રૃપાંતરણના દરમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ
પ્રક્રિયા માત્ર જમીનનો પ્રકાર જ નથી બદલી રહી, પરંતુ રાજ્ય સરકારની તિજોરીને પણ સમૃદ્ધ કરી રહી છે. જમીન
એનએ કરવાની આ વહીવટી પ્રક્રિયા દ્વારા છેલ્લા બે વર્ષમાં સરકારને કુલ રૃપિયા ૨૭.૮૦
કરોડની માતબર આવક પ્રાપ્ત થઈ છે.ગાંધીનગર જિલ્લો તેના હરિયાળા પટ્ટા માટે જાણીતો
છે, પરંતુ
રહેણાંક સ્કીમો, આઈટી
પાર્ક્સ અને ઔદ્યોગિક એકમોના વિસ્તરણને કારણે ખેતીલાયક જમીન સતત સંકોચાઈ રહી છે.
સત્તાવાર માહિતી મુજબ, અત્યાર
સુધીમાં જિલ્લાની કુલ ૨,૧૦,૪૩,૭૩૯ ચોરસ મીટર
ખેતીલાયક જમીન ઓછી થઈ ગઈ છે.
અમદાવાદ તરફના ગામોની ફળદ્રુપ જમીનો બીનખેતીમાં તબદીલ વધુ
ગાંધીનગરમાં ખેતીની જમીન બીનખેતીમાં તબદીલ કરવાનો ટ્રેન્ડ શરૃ થયો છે જેનાથી સરકારને તો ફાયદો થઇ જ રહ્યો છે પણ ખેતીને લાંબાગાળે નુકશાન થશે તેમ તજજ્ઞાો જણાવી રહ્યા છે ત્યારે નિષ્ણાતોના મતે, જે રીતે ગાંધીનગર-અમદાવાદ વચ્ચેનું અંતર ઘટી રહ્યું છે અને ગિફ્ટ સિટી જેવી યોજનાઓનો વ્યાપ વધી રહ્યો છે, તેને જોતા આગામી સમયમાં ખેતીની જમીન બિનખેતી થવાનું પ્રમાણ હજુ પણ વધવાની શક્યતા છે. એક તરફ વિકાસની ચમક વધી રહી છે, તો બીજી તરફ ખેડૂતો પોતાની જમીનો વેચી રહ્યા હોવાથી જિલ્લાના કૃષિ ઉત્પાદન પર લાંબાગાળે તેની પ્રતિકૂળ અસરો જોવા મળી શકે છે.


