વડોદરા,યુવકને માર મારી નગ્ન કરી આરોપીઓએ વીડિયો ઉતારી વાયરલ કર્યો હતો. ત્યારબાદ આરોપીઓ સામે વ્યાજ વસૂલાતની પણ અરજી થઇ હતી. પરંતુ, તે સમયના અટલાદરા પોલીસ સ્ટેશનના બહુ ચર્ચિત પોલીસ જવાને તપાસ પોતાની પાસે રાખી કોઇ જ કાર્યવાહી નહી કરી હોઇ હાલમાં તેને સાઇડ પોસ્ટિંગ આપી દેવામાં આવ્યંુ છે.
સનફાર્મારોડ પર રહેતા યુવકનું અપહરણ કરી આરોપીઓ દ્વારા માર મારી નગ્ન વીડિયો ઉતારી વાયરલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં શરૃઆતમાં થયેલી અરજીની તપાસ અટલાદરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને પૂર્વ વહીવટદાર અલય ભરવાડ પાસે હતી. અરજીમાં ગંભીર આક્ષેપો હતા. તેમછતાં તપાસ પી.એસ.આઇ.ને સોંપવાની જગ્યાએ કોન્સ્ટેબલની પાસે રાખવામાં આવી હતી. જેમાં પ્રતિક અવરેન્દ્ર સીંગ, નિલેશ ઉર્ફે નીલ રામહરખભાઇ સહાની સહિત અન્ય સામે આક્ષેપો હતા. ત્યારબાદ પ્રતિક અને વિકાસ સામે અન્ય એક અરજી પાંચ મહિના અગાઉ મહેન્દ્રભાઇએ ગેરકાયદે વ્યાજ વસૂલાતની કરી હતી. તેની તપાસમાં પણ કંઇ થયું નહતું. છેવટે ઉપરી અધિકારીના ધ્યાન પર વાત આવતા ગુનો દાખલ થયો હતો. આ સમગ્ર પ્રકરણમાં અટલાદરા પોલીસ સ્ટેશનનો વહીવટ કરતા પોલીસ જવાન અલય ભરવાડની ભૂમિકા શંકાસ્પદ હોવાની ચર્ચા છે.
અરજદારનું કહેવું છે કે, મર્ડર કેસમાં છૂટીને આવ્યા પછી પ્રતિક લોકોને ભેગા કરીને જાહેરમાં બેસતો હતો. આમ,વિસ્તારમાં વર્ચસ્વ જમાવવાની કોશિશ કરતા પ્રતિક સામે પોલીસ ચૂપચાપ બેસી રહી હતી. એટલું જ નહીં પ્રતિક સામે આવતી અરજીઓમાં પણ પોલીસ કંઇ જ કરતી નહતી.


