Gujarat

અમદાવાદ રેલવે સ્ટેશને દબાણોના કારણે ટ્રાફિકજામની સમસ્યા વકરી

By GS Team
12 Dec 20212 mins read
This article was originally published on 12 Dec 2021
અમદાવાદ રેલવે સ્ટેશને દબાણોના કારણે ટ્રાફિકજામની સમસ્યા વકરી

અમદાવાદ,તા.12 ડિસેમ્બર 2021, રવિવાર

અમદાવાદ રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ પાસે રિક્ષા, કાર સહિતના પેસેન્જર વાહનોના અડિંગા અને ચા-નાસ્તાની લારીઓના દબાણોને કારણે ટ્રાફિકજામની સમસ્યા ગંભીર બની છે. પીકઅવર્સમાં આ રસ્તે એટલો બધો ટ્રાફિકજામ થઇ જાય છેકે સારંગપુરથી લઇને કાલુપુર સુધી વાહનોની લાંબી લાઇનો લાગી જાય છે.

રેલવે સ્ટેશનના એક્ઝિટ ગેટ પાસે રિક્ષાઓનું પાર્કિંગ બની ગયું છે, ખાનગી અને પેસેન્જર કાર ચાલકો પણ રોડની બંને સાઇડ વાહન પાર્ક કરીને ઉભા રહી જાય છે.  વળી હજારોની સંખ્યામાં મુસાફરોની અવર-જવરના કારણે મેળા જેવું વાતાવરણ રહે છે. રેલવે  સ્ટેશન પરિસરમાંથી જ બીઆરટીએસ બસ પણ આવતી હોવાથી બસો પણ સરળતાથી નીકળી શકતી નથી.

સાંકળો રોડ, ગેરકાયદે પાર્કિંગ, લારી-ગલ્લાના દાબણો અને વાહનોની રાહ જોતા મુસાફરોના કારણે આખો દિવસ ટ્રાફિકજામની સ્થિતિ રહે છે. સવારે, બપોરે , સાંજે અને રાત્રે પણ વાહનોની લાંબી લાઇનો જોવા મળે છે. ટ્રાફિક પોલીસ તમાશો જુએ છે, ટ્રાફિક નિયમન અને રોડ પર પાર્કિંગ રોકવામાં તેઓ નિષ્ફળ રહે છે. જેના કારણે હજારો લોકો પરેશાન થાય છે. 

એક્ઝિટ ગેટ પાસે રિક્ષાઓ જ્યા ંપાર્ક કરી છે ત્યાં ગંદકી પણ જોવા મળે છે. જાહેરમાં કેટલાક લોકો  લઘુશંકા કરતા હોવાથી ગંદકી, દુર્ગંધ જોવા મળે છે. બહારગામથી દેશભરમાંથી આવતા મુસાફરો આ દ્રશ્ય જોઇને શહેરની ગંદી છાપ મનમાં લઇને જાય છે. કરોડો રૂપિયાનો ખર્ચો કરીને રેલવે સ્ટેશનને હેરિટેજ લુક અપાયો છે. પરંતુ સફાઇ, ટ્રાફિક નિયમનમાં તેઓ માત ખાઇ ગયા છે.